aatmaparichaya

આત્મપરીચય

Home

આત્મપરીચય

મારી તો લખાણ

એ જ ઓળખાણ.

આનાથી લાંબી કવીતા લખતા મને નથી આવડતી.

મારું કુટુંબ સુરત જીલ્લાનું, મારો જન્મ પણ સુરત જીલ્લાના ગામડામાં. શીક્ષણ વડોદરા અને અમદાવાદમાં. પીતાજીની સરકારી નોકરીને લીધે બ્રુહત્ગુજરાતના લગભગ બધા શહેરોમાં ફર્યા તેથી બધા વીસ્તારોથી પરીચીત છું.

ભણ્યો સીવીલ ઈજનેરી. ૨૨ વરસ ગુજરાત સરકારની નોકરી કરી. સ્વૈચ્છીક નીવ્રુત્તી લીધી. અમેરીકા આવ્યો. ૨૦ વરસ અમેરીકાના એક મોટા શહેરની અર્ધસરકારી સંસ્થામાં નોકરી કરી. નીવ્રુત્ત થયો. હજુ અમેરીકામાં જ છું.

હું તો સાહીત્ય સંગીત કલા વીહીન એક સામાન્ય ઈજનેર હતો. નીવ્રુત્તી બાદ હવે કેવળ દાદો છું.

યુવાનીમાં અધ્યાત્મનો શોખ હતો. ઘણું વાંચ્યું. થોડું ન સમજાણું, બીજું ઘણું અસ્વીકાર્ય લાગ્યું. પણ તેથી હીનતાભાવ (ઇન્ફીરીઓરીટી કોમ્પ્લેક્ષ) અનુભવવાને બદલે મારી ઈશ્વરદત્ત નકરી નક્કર સામાન્ય બુધ્ધી વાપરી. મોક્ષ માટેનો મારો મોહ મટી ગયો. એટલે અધ્યાત્મ પણ અનાવશ્યક બની ગયું. વાંચવાને બદલે વીચારવા માડ્યું. પરીણામ મારા આ લખાણો. લોકો વાંચવા ઉપરાંત વીચારતા પણ થાય એ હેતુથી પ્રગટ કરું છું.

હજારો વરસોના કુપ્રચારની વીરુધ્ધ બોલવા કે લખવાની ધ્રુશ્ટતા આ લખાણોમાં કરી છે. તે ભાગ્યે જ કોઈ વાંચવા પણ તૈયાર હોઈ શકે તેવી સભાનતાને લીધે મારું ઉપનામ 'તતુડી' રાખ્યું છે જેણે નગારખાનામાં વાગવાનું હોય. વાગવાની મારી ફરજ છે, સાંભળવાની તમારી નથી. સાંભળો તો તમારો આભાર.

મારો મનોરોગ છે 'અંજાઈ ના'. હું કોઈથી કે કશાથી પણ અંજાઈ જતો નથી. તેથી તો શ્રીક્રુશ્ણના ઉપદેશ સાથે પણ અસંમત થાઉં છું. આ રોગનો ચેપ બધાને લાગે તેવી મારી આશા છે.

નવજાત બાળકીને રઝળતી છોડનાર માનવતાવિહીન, હરિશ્ચન્દ્રને પારાવાર પજવનાર ત્રાસવાદી, વસિષ્ઠના સો પુત્રોને મારનાર હત્યારા અને તેમને ડૂબાડી દેવાનો પ્રયાસ કરનાર કાવત્રાખોર વિશ્વામિત્રને જો 'બ્રહ્મર્ષિ' કહી શકાતા હોય તો તે 'બ્રહ્મ'નો ભ્રમ મને મંજુર નથી. ભૂલ સુધારવા જતી માતાને યુક્તિપૂર્વક રોકીને નાનાભાઈની પત્નીમાં ભાગ પડાવનાર અને ભાઈઓ તથા તેમની સહિયારી પત્નીને જુગારના દાવ પર મૂકનારને જો સ્વર્ગમાં સદેહે પ્રવેશ મળતો હોય તો તેવા સ્વર્ગમાં મારે નથી જવું અને જો તે વ્યક્તિ 'ધર્મરાજ' ગણાતી હોય તો તેવો ધર્મ પણ મને નથી ખપતો. This does not make me a wicked person. I always adhered to all the norms of morality and ethics.