આપણું કલંક

home

આપણું કલંક રામ

આપણે વાંચીએ છીએ ઘણું અને લેખકની પ્રતિષ્ઠાને કારણે વાંચેલું બધું સ્વીકારી પણ લઈએ છીએ. આપણે ઘણું સાંભળીએ પણ છીએ અને બોલનારની વકતૃત્વ શક્તિથી અંજાઈ જઈને સાચું માની પણ લઈએ છીએ. મહત્વ વાંચવા અને સાંભળવા સાથે વિચારવાનું પણ છે કે આમાંથી કેટલું સ્વીકારવા જેવું, કેટલું નકારવા જેવું અને કેટલું વ્યર્થ વાણીવિલાસ તરીકે અવગણવા જેવું છે. આમ વિચારવામાં નડતા અંતરાયો છે :

  1. આપણને વારસામાં મળેલી શ્રદ્ધા, જે ખરેખર તો અંધશ્રદ્ધા પણ હોઈ શકે, જે હિરણ્યમય પાત્રની જેમ આકર્ષક અને મૂલ્યવાન દેખાવા ઉપરાંત સત્યને ઢાંકી દે છે,

  2. આપણી ઈશ્વરદત્ત વિવેકબુદ્ધિ વિષેની આપણી હીનતાગ્રંથિ,

  3. સામાજિક પરંપરાનો પ્રતિકાર ન કરવાનું ડહાપણ.

થોડી વાર માટે આપણા હિન્દુત્વને બાજુ પર રાખીને હવે વિચારીએ:

  1. કોઈ એક સ્ત્રી પર બળાત્કાર થયો હોવાની શક્યતા હોય તો તે બળાત્કાર નથી થયો તેની ખાતરી કરવા તે સ્ત્રીની પરીક્ષા લેવી અને તે પણ એવી રીતે કે જો બળાત્કાર થયો હોય તો તે ભોગ બનેલી (victim) સ્ત્રી બળી મરે તેવી મનોવૃત્તિ તાલિબાનોની હોઈ શકે. આપણી પણ? જો રાવણે સીતાજી પર બળાત્કાર કર્યો હોત તો તે અપરાધ રાવણનો હોત છતાં સીતાજી બળી મર્યા હોત કે નહીં? શું આ ન્યાયી હોત? આ શું ક્રૂરતાયુક્ત મૃત્યુ ના હોત? આ શું સત્ય, ન્યાય અને માનવીયતા વિહીન કૃત્ય નહોતું? ન્યાય કે માનવીયતાની કોઈ જ મર્યાદા "મર્યાદા પુરુષોત્તમ"ને ના નડી?

  2. સીતાજીના પ્રશ્નના જવાબમાં રામે કહ્યું કે આ પરંપરા તેમનાથી આરંભ અને તેમનાથી જ અંત પામશે. એનો અર્થ એવો જ ને કે તેમને એકલાને જ આ અન્યાય માટે તારવવામાં (singled out) આવ્યા હતા? આ પરીક્ષા જો લેવા જેવી હતી તો તે કાયમ માટે ચાલુ કેમ ના રાખી? મારી પત્ની જો આવી પરિસ્થતિમાં મુકાય તો શું મારે પણ આવી કશી પરીક્ષા લેવાની? કોઈ બીજી સ્ત્રી જો આવા સંજોગોમાં મુકાય અને તેનો પતિ આવી કોઈ પરીક્ષા લેવા માંગે તો તે આપવાનો ઉપદેશ આપવો જોઈએ?

  3. અહલ્યાના કિસ્સામાં એક ભૂલ થઇ તો હતી. તેને માફ કરી પણ સીતાજીને તો બીજાના દોષ માટે પણ દંડ દેવાનો? બીજાની પત્ની ક્ષન્તવ્ય પણ પોતાની પત્ની અક્ષમ્ય? શા માટે?

  4. અણસમજુ ધોબીએ તો ખોટો આક્ષેપ કર્યો, પણ સત્યનું સમર્થન કરવાની રામની ફરજ નહોતી? પ્રજાને વાંધો હોય તો પોતે રાજ્યાસન છોડીને સીતાજી સાથે નજીકના કોઈ વનમાં ના જઈ શકયા હોત? રાજ્ય તો ભરતે ચૌદ વરસો સુધી સારી રીતે ચલાવેલું તેમ ફરીથી ચલાવત. પ્રજાનું કલ્યાણ કરવા માટે રાજ્યસત્તા હોવી આવશ્યક છે એમ હાલના આપણા નેતાઓ માનતા હોય છે તેમ રામ પણ માનતા હતા?

  5. અગ્નિપરીક્ષામાં પવિત્ર નીવડેલા સીતાજીનો ત્યાગ કર્યો. તેમને પોતાનો બચાવ કરવાની તક પણ ના આપી. જુઠું બોલીને લક્ષ્મણ સાથે વનમાં મોકલી આપ્યા. સજા તેમના ગર્ભમાં રહેલા બાળકને પણ થતી હતી તેનો વિચાર પણ ના કર્યો. પાછળથી સીતાજીનું અને તેમના ગર્ભનું શું થયું તે જાણવાની દરકાર ના લીધી. સપ્તપદીમાં સીતાજીનું રક્ષણ કરવાનું વચન આપ્યું હતું કે નહીં? તો ખોટા આક્ષેપ વિરુદ્ધ તેમનું રક્ષણ ન કરીને તેમણે વચનભંગ નહોતો કર્યો? રક્ષણ શું પત્નીના ભૌતિક શરીરનું જ કરવાનું, તેના સન્માનનું નહીં? રામ વડે ત્યાગ કરાએલા સીતાજી વિશે અશ્વમેધ યજ્ઞ સુધી અયોધ્યાની પ્રજાએ ખરાબ અભિપ્રાય રાખ્યો જ હશે ને? પાછળથી જાણે કે તેઓ પવિત્ર હતા તેથી શું?

  6. અયોધ્યાની પ્રજા શું એટલી નાદાન હતી કે તેના પર દાખલો બેસાડવા માટે નિર્દોષને સજા કરવી જ પડે? રામે સીતાનો ત્યાગ પ્રજા માટે નહોતો કર્યો.

  7. સત્યમેવ જયતે? ના, સીતાનું સત્ય હાર્યું, રામનું મિથ્યાભિમાન જીત્યું. ના માની શકો તો વાલ્મિકી રામાયણના ઉત્તરકાંડના ૪૩થી ૪૬મા સર્ગ વાંચી જુઓ. ટૂંકમાં જાણવું હોય તો:

  8. ૪૫મા સર્ગનો ૧૦મો શ્લોક નીચે પ્રમાણે છે.

    लङ्गकाद्विपे महेन्द्रेण मम हस्ते निवेदिता |
    अन्तरात्मा च मे वेत्ति सीतां शुद्धां यशस्विनीम् || 10 ||

    લંકા માં ઇન્દ્રે મારા હાથમાં સોંપી હતી. વળી મારો અંતરાત્મા પણ એમ જ કહે છે કે યશસ્વિની સીતા શુદ્ઘ છે.

  9. ૧૪મોં અને ૧૫મો શ્લોક છે:
    कीर्त्यर्थं तु समारम्भः सर्वेषां सुमहात्मनाम् |
    अप्यहं जीवितं जह्यां युष्मान्वा पुरुर्षर्भा: || 14 ||
    તેથી મહાત્માઓ પણ કીર્તિસંપાદન માટે બધા પ્રકારના ઉપાય કર્યા કરે છે. હે પુરુષશ્રેષ્ઠો! હું મારું જીવન તથા તમે લોકોનો પણ

    अपवाद्भयाद्भीत: किं पुनर्जनकात्मजाम् |
    तस्माद्भवन्त:पश्यन्तु पतितं शोकसागरे || 15||
    અપવાદથી ભયભીત થઈને પરિત્યાગ કરી શકું છું. પછી સીતાની વાત જ શું છે? તમે લોકો જુઓ કે અત્યારે હું (અકીર્તિ રૂપી ) શોકસાગરમાં ડૂબી રહ્યો છું.

  10. આવો મહત્વનો નિર્ણય કરતા પહેલાં જાસૂસોની વાતની ફેર ચકાસણી કરવી જોઈતી હતી તે ના કરી. ગુરુ વસિષ્ઠનો અભિપ્રાય પણ ના પૂછ્યો. લક્ષ્મણજીને પણ બોલવા ના દીધા. આમ રામજીએ ઉતાવળમાં અવિચારી નિર્ણય કરી લીધો. એક રાજાને આવું શોભે?

  11. સીતાજીનો ત્યાગ કરવાથી અગ્નિદેવનું અપમાન થયું ના ગણાય?

  12. રાવણના વધ પછી ઘણા લાંબા સમય બાદ સીતાજી ગર્ભવતી થયા હતા તેથી તે ​બાળક રાવણ​નું ​તો નહોતું જ. પત્નીને કાઢી મુકવાથી તેનું સંતાન, જે તેમનું પોતાનું પણ હોઈ શકે, તેને ઉછેરવાની જવાબદારી પત્નીએ એકલીએ ઉઠાવવાની? તે બાળકને પિતાના પ્રેમથી વંચિત રાખવાનું?

  13. એક બીજો પાઠફેર પણ પ્રચલિત છે. તે પ્રમાણે મંદોદરીના વિભીષણ સાથે અને તારામતીના સુગ્રીવ સાથે પુનર્લગ્ન કરાવવા બદલ રામને ઘણો પસ્તાવો થતો હતો. તેથી વસિષ્ઠે તેમને સલાહ આપી કે "સીતાનો ત્યાગ કર." તે સલાહ માનીને રામે સીતાનો ત્યાગ કર્યો. આ જો સાચું હોય તો તે વધારે ખરાબ પગલું હતું કારણકે તે તેમના એકલાના લાભ માટેનું હતું, પ્રજાને માટે નહિ.

  14. કૈકેયીએ માંગેલું વચન ભરતની ઈચ્છા કે અનિચ્છા પર નિર્ભર નહોતું. રાજ્યાસન નકારવાનો વિકલ્પ ભરતને હતો જ નહીં તે કેમ ભૂલી જવાય છે? ભરતે પ્રાણત્યાગ કરવાનું કહ્યું ત્યારે તેને તેમ કરવાને બદલે રાજ્યાસન સ્વીકારવાની આજ્ઞા કરી શક્યા હોત કે નહીં? દશરથના વચનનું પાલન ન જ થયું ને? પોતાની પાદુકા આપવાને બદલે દશરથની પાદુકા કે મૂર્તિ કેમ ના મુકાવી?

  15. રઘુકૂલ રીતિ રામ ઠુકરાઈ

વચન પિતાકા તોડકે

ભાઈકી જાન બચાઈ.

  1. શુર્પણખાનો વધ એટલા માટે ના કર્યો કે તે સ્ત્રી હતી. તો તાડકાનો વધ કેમ કર્યો?

  2. પર્વત પર રહેતા શંબુકના તપથી અયોધ્યાવાસી બ્રાહ્મણના પુત્રનું મરણ થાય તેવી "કહેતા ભી દીવાના ઔર સુનાતા ભી દીવાના" જેવી ગુરુની સલાહ સ્વીકારીને રામે તેનો વધ કર્યો તે શું યોગ્ય હતું? શુદ્રના તપથી બ્રાહ્મણના પુત્રનું મૃત્યુ થતું હોય તો વાલ્મિકીના તપથી જ શ્રવણનું મરણ થયું હશે ને? તો વાલ્મિકીને કેમ માન આપવામાં આવ્યું? કર્મના સિધ્ધાંત પ્રમાણે એક વ્યક્તિના કર્મનું પરિણામ બીજી વ્યક્તિએ ભોગવાનું ના હોય. શુદ્રના તપને લીધે બ્રાહ્મણના પુત્રનું મરણ થાય એવી વાત કાચા કાનનો રાજા જ માની શકે. રામની ધનુષ્ય વિદ્યાના વખાણ કરવા કોઈએ આવી વાહિયાત વાર્તા બનાવી કાઢી અને આપણા મૂર્ખ પૂર્વજોએ માની લીધી.

ટૂંકમાં પત્નીઓ અને શૂદ્રોને અન્યાય થાય તો તે આપણને ખૂબ ગમે છે.

home