truth,faithandlogic(guj)

સત્ય, શ્રધ્ધા અને તર્ક

Discusses how they are interrelated

સત્ય, શ્રધ્ધા અને તર્ક

સત્યનું મુખ હિરણ્યમય પાત્ર વડે ઢંકાયેલું છે એમ ઉપનિષદ કહે છે. કયું સત્ય અને કયું પાત્ર એવો પ્રશ્ન પૂછી શકાય. મુમુક્ષુઓ અને 'સિદ્ધ' પુરુષો જેને સત્ય કહે છે તે સત્યની વાત કરી શકાય તેમ નથી. અહીં તોઆપણે આપણા દૈનિક વ્યવહારમાં અનુભવાતા સત્યની વાત કરવી છે કે જે સત્ય સમાજવ્યવસ્થાને અસર કરે છે.

પાત્ર પણ કાંઈ જેવું તેવું નથી હોતું. હિરણ્યમય હોવાથી તે આકર્ષક અને મોહક હોય છે અને જોનારને મૂલ્યવાન પણ જણાય છે. પરિણામે સત્યને છુપાવવાનું અત્યંત સરળ થઈ જાય છે. કોઈકોઈ વાર કડવા સત્યને 'સાત્ત્વિક' અથવા સ્વીકાર્ય બનાવવા તેને મીઠા શબ્દોમાં રજુ કરવામાં આવે છે. જેમ કે અગ્નિપરીક્ષા અંગે સીતાના પ્રશ્નના જવાબમાં રામે કહ્યું કે 'આ પરંપરાનો આરંભ તમારાથી થશે અને અંત પણ તમારાથી જ આવશે.' ટૂંકમાં આ અન્યાય કેવળ તમને જ કરવામાં આવશે. આમ શાબ્દિક મીઠાશ પણ એક પ્રકારનું હિરણ્યમય પાત્ર બની જાય છે. ઘણી વાર પ્રવચનકારોની વાગ્છટામાં કે લેખકોના ભારેખમ (આધ્યત્મિક જણાતા પણ ખરેખર તો પોલેપોલા) શબ્દોમાં સત્યને છુપાવવાનું ખૂબ જ સહેલું થઈ જાય છે.

સત્યનું મુખ શું કાયમ માટે ઢંકાયેલું રહી શકે ખરું? હિરણ્યમય પાત્ર શું એવું સ્વયંસંચાલિત બનેલું છે કે કોઇએ ખસેડ્યું હોય તો તે આપમેળે જઈને સત્યને ફરીથી ઢાંકી દે? સત્ય તો સદૈવ ઉઘાડું (અપાવૃત) જહોઈ શકે. કેવળ એટલું જ કે આપણે તેને જોઈ શકતા નથી કારણ કે આપણે હકીકતોને પૂર્વગ્રહોના ચશ્માઓમાંથી જોતા હોઈએ છીએ. આપણી દૃષ્ટિ ઢંકાયેલી હોય છે. આપણી આંખો પર પડળ ઝામી જાય છે.

આ પડળો વિવિધ પ્રકારના હોય છે. કેટલાક પડળો આપણી વિચારસરણી સંબંધિત હોય છે, જેવી કે મૂડીવાદી, સમાજવાદી ઇત્યાદિ. બીજા કેટલાક પડળો આપણા સ્વાર્થમાંથી ઉપજે છે. વળી આપણું મમત્વપણ સત્ય દર્શન રૂંધે છે. આપણી સંસ્કૃતિ, ધર્મ કે પરંપરાથી પ્રતિકૂળ હોય તેવું કોઈ પણ સત્ય જોવા આપણે તૈયાર નથી હોતા. પણ સૌથી પ્રબળ અવરોધ હોય છે આપણી શ્રધ્ધાનો. શ્રધ્ધા અને ભક્તિભાવનારૂપાળા સોનેરી અંચળા હેઠળ આપણે ઘણા અસત્યો અને અન્યાયોને ધરબી દીધા છે. શ્રધ્ધાની સોહામણી જાળ પાથરીને આપણે એવા 'ભક્તો' ઉત્પન્ન કરીએ છીએ કે જેઓ અંતઃકરણપૂર્વક સ્વયંભૂ પ્રાર્થનાકરવાને બદલે ધર્મગુરૂઓએ નિયંત્રિત કરેલા પૂર્વનિર્ધારિત સમયે, રીતે અને શબ્દોમાં યંત્રવત્ સામૂહિક પ્રાર્થના કરે છે. ભક્તિ એટલે પરમેશ્વર રૂપી પતિ પ્રત્યેની જીવાત્મા રૂપી પત્નીની ઉત્કટ લાગણી અને તેજાહેરમાં નિયંત્રિત રીતે ન થઈ શકે તે સમજવામાં આપણી ગુરૂઓ પરની શ્રધ્ધા નડે છે. ગુરૂઓને પણ તે અનુકૂળ આવે છે.

સૌથી વધુ દુરૂપયોગ શ્રધ્ધાની વિભાવના (કન્સેપ્ટ concept) નો થયો છે. 'શ્રધ્ધા'ને નામે આપણે અનેક બેહુદી માન્યતાઓ (જેવી કે શીતળામા અને બળિયાબાપાની પૂજા) ને સ્વીકારી લઇએ છીએ. કારણ કેસાચી શ્રધ્ધા શું છે તે આપણે સમજ્યા જ નથી અને ગુરૂઓ રૂપી સ્થાપિત હિતોએ સમજવા દીધા જ નથી. ઘણી વાર તો એમ પણ લાગે કે ક્યાંક શ્રધ્ધા એટલે ઈશ્વર તરીકે પોતાની પૂજા કરાવવા માટે ગુરૂઓએ ઊભી કરેલી ભ્રમણા તો નથી ને? કે પછી 'શ્રધ્ધા' એટલે ઈશ્વરે આપેલી બુધ્ધિ ન વાપરવા માટેનું બહાનું માત્ર?

શ્રધ્ધા એટલે એવી વાત કે જે ન તો સાચી પૂરવાર થઈ શકે ન તો ખોટી. જે વાત સાચી કે ખોટી સાબીત થઈ શકે તે વાત શ્રધ્ધાનો વિષય રહેતી નથી. જો કોઈ વાત આપણે અત્યાર સુધી શ્રધ્ધાપૂર્વક સાચી માનતા આવ્યા હોઈએ પણ નવા મળી આવેલા પૂરાવા પ્રમાણે ખોટી ઠરતી હોય તો તેને 'શ્રધ્ધા'ને નામે વળગી રહેવું ન જોઈએ.

કોઇ એક વ્યક્તિ, પુસ્તક કે વ્યવસ્થામાં શ્રધ્ધા રાખવી તે કાંઈ સાચી શ્રધ્ધા નથી. ઈશ્વર અને ઇશ્વરીય સિધ્ધાન્તો અને ગુણો જેવા કે સત્ય, અહિંસા, ન્યાય, પ્રેમ ઇત્યાદિમાં રાખીએ તે જ સાચી શ્રધ્ધા ગણી શકાય. વળી સિધ્ધાન્ત પરની શ્રધ્ધા પણ આપણે કેવી રીતે વાપરીએ છીએ તે પણ અગત્યનું છે. જેમ કે કર્મનો સિધ્ધાન્ત ભલે ગમે તેટલો સાચો અને સારો હોય તો પણ કોઈ દુખિયારાની પરિસ્થિતિને અવગણવાઅથવા અન્યાયનો ભોગ બનનાર (વિક્ટિમ victim) ને દોષ દેવા માટે જો તેનો ઉપયોગ કરીએ તો તે યોગ્ય ન જ ગણી શકાય.

ઘણું ખરૂં તો જેને આપણે ઇશ્વર પરની શ્રધ્ધા માનતા હોઇએ છીએ તે ખરેખર તો બીજા કોઈ પરની જ શ્રધ્ધા હોય છે. આપણે હિંદુઓ વેદને ઈશ્વરવચન માનીએ છીએ અને તેથી વિષ્ણુ ઇત્યાદિને પરમેશ્વર તથાદેવો માનીએ છીએ. તેનું કારણ એ જ કે આપણા બચપણથી જ આપણા વડીલોએ શિખવ્યું હોય છે. વેદ પરની આપણી શ્રધ્ધા આમ ખરેખર તો આપણા વડીલો પરની શ્રધ્ધા જ હોય છે.

હવે તો આપણે જાણીએ છીએ કે પૃથ્વી હેઠળ શેષનાગ નથી. તેથી તેના ખોળામાં સૂતેલા વિષ્ણુ નથી. દશાવતાર તો થયા જ ક્યાંથી હોય? અર્થાત વેદપુરાણોની વાર્તાઓ કેવળ કાલ્પનિક વાર્તાઓ જ છે, ઇતિહાસ નહીં, પછી ભલે તે ઘણી જ કુશળતાપૂર્વક લખાઈ હોય.

પરંતુ આટલું સ્પષ્ટ સત્ય પણ આપણે સ્વીકારી શકીશું નહીં કારણ કે તેમ કરવામાં આપણું 'વયમ્' (સામૂહિક અહમ્) નડશે. આપણા અત્યંત મહાન ઋષિમુનિઓ તો કોઈ ભૂલ કરી શકે નહીં તેથી તેમણે કહેલી કેલખેલી બધી વાતોને આપણે માનવી જ રહી એવું આપણું મમત્વ સત્યનો સ્વીકાર થતો અટકાવશે એટલું જ નહીં પણ હજારો વર્ષોથી મનાતા આવેલા અસત્યોને સત્ય પૂરવાર કરવા બધા જ પ્રયત્નો કરાવશે.

એક મુદ્દો એવો ઊભો કરવામાં આવશે કે શ્રધ્ધાના વિષયમાં તર્કનો ઉપયોગ ન કરી શકાય. આ પણ અણસમજનું જ પરિણામ છે. જો તે સાચું હોય તો બે વ્યક્તિઓ કેવળ પોતપોતાની શ્રધ્ધા જણાવી જ શકે, કોઇ પ્રકારનો વિચારવિમર્શ કરી ન શકે. શંકરાચાર્ય અને મંડનમિશ્ર વચ્ચે વિવાદ થઈ શક્યો ન હોત. તે સિવાય પણ ઘણા પ્રસંગે ચર્ચા વિચારણાઓ થઈ છે અને થાય છે તે પણ નિરાધાર બની જાય. પ્રજાનાજુદાજુદા સમૂહો પોતપોતાની શ્રધ્ધા-અંધશ્રધ્ધાઓમાં રાચ્યા કરે. માનવ જાતની પ્રગતિ રૂંધાઈ જાય.

શ્રધ્ધા અને તર્ક એક બીજાના પર્યાય નથી પણ પૂરક છે અને એકબીજા પર આધાર રાખે છે. ચમત્કાર કરનાર કોઈ ગુરૂ અથવા ઈસુ ને ઈશ્વરીય વિભુતિ કે પછી સ્વયં ઇશ્વરપુત્ર માનવા તે શ્રધ્ધા નહીં પણ તર્ક છેકારણકે તે માન્યતા ચમત્કાર કરવાની શ્રધ્ધિતની શક્તિ કે આવડત પર જ નિર્ભર હોય છે. આધુનિક વિજ્ઞાન જતે દિવસે બધા પ્રશ્નોના જવાબ આપી શકશે એવી માન્યતા પણ એક પ્રકારની શ્રધ્ધા જ છે તર્કનહીં કારણ કે તે કશા પર આધારિત નથી.

વસ્તુતઃ તર્કના પાયામાં શ્રધ્ધા જ હોય છે. તર્કની શરૂઆત કરતા પહેલાં કેટલાક તથ્યો ગૃહિત કરવા પડે એટલે કે સાબીતિ આપ્યા વગર સ્વીકારવા પડે જાણે કે તે સ્વયંસિધ્ધ સત્ય હોય. આને અંગ્રેજીમાંપોસ્ટ્યુલેઇટ્સ (postulates)કહે છે. કયા મૂલ્યોને ગૃહિત કરવા અને કયા ને નહીં તે જે તે તાર્કિક ની વ્યક્તિગત શ્રધ્ધા પર નિર્ભર કરે છે. દાખલા તરીકે આ લખનારની શ્રધ્ધા એવી છે કે પરમેશ્વર હમેશાં સત્યઅને ન્યાયનું સમર્થન કરે, તેથી વિપરિત વર્તન ન જ કરે, ને કોઈએ કર્યું હોય તો તેને માફ પણ ન જ કરે. કોઈને જો આ તથ્ય સ્વીકાર્ય ન હોય તો તે જુદા જ નિષ્કર્ષ પર આવી શકે.

તો પછી પ્રશ્ન એ થાય છે કે દરેક સમૂહ પોતપોતાના ગૃહિતોને આધારે જુદાજુદા દેવોની પૂજા કરે તો તેમાંથી એકેયને અંધશ્રધ્ધા કેમ ગણી શકાય? ઉત્તર એ છે કે તર્કનું પરિણામ મૂળભૂત ગૃહિતને અનુરૂપ હોવુંજોઈએ. ધારો કે આપણે પ્રારંભમાં માની લઈએ કે પરમેશ્વર સકળ માનવજાતને પ્રેમ કરે છે. વળી તેના દસ આદેશો પૈકીનો એક એમ કહેતો હોય કે 'હત્યા કરીશ નહીં'. (Thou shalt not kill) પણ પછી તે જપરમેશ્વર તેમના કોઈ ભક્તને એવો આદેશ આપે કે 'જા જેરીકો શહેરના બધા પ્રજાજનોનો સંહાર કરી નાંખ' અને તે ભક્ત (જોશુઆ) લગભગ ૩૦ જેટલા નગરોના સર્વ નિવાસીઓની કત્લેઆમ કરી નાંખે તો ક્યાંતો આપણું ગૃહિત ખોટું હોવું જોઈએ અથવા પરમેશ્વરના નામે ઉપજાવેલી વાર્તા ખોટી હોવી જોઈએ. પસંદગી બીજા વિકલ્પ પર જ જઈ શકે. છતાં એક ઘણો મોટો સમુદાય આવી ખોટી વાર્તાને ઈશ્વરનો શબ્દમાને છે. તેમની 'શ્રધ્ધા' ખરેખર તો અંધશ્રધ્ધા જ ગણી શકાય.

આ તો થઈ બીજાના ધર્મની વાત. હવે થોડું આપણા જ ધર્મનું આત્મનિરીક્ષણ કરીએ. ભગવાન શ્રી વિષ્ણુનો છઠ્ઠો અવતાર પૂરો થાય તે પહેલાં જ રાવણનો વધ કરવા માટે સાતમા માનવ અવતારની જરૂરપડી. છઠ્ઠો અવતાર પૃથ્વી પર જ વિચરતો હોવા છતાં રાવણનો વધ કેમ ન કરી શક્યો? કૃષ્ણએ કંસનો વધ કર્યો પણ કંસત્વનો કેમ નહીં? આવી તો અનેક વિસંગતતાઓ અને મૂલ્યદ્રોહના પુષ્કળ પ્રસંગોઆપણા ધાર્મિક સાહિત્યમાંથી સાંપડે છે. વિષયાંતર ટાળવા તેમનું સવિસ્તર વર્ણન અહીં ન કરતાં એક બીજા લેખમાં (અસત્યો અને અન્યાયો) કર્યું છે.

લગભગ બધા જ ધર્મો એમ માને છે કે પરમેશ્વર સર્વવ્યાપી, સર્વશક્તિમાન, સર્વજ્ઞ, દયાળુ અને ક્ષમાવાન ઇત્યાદિ છે. છતાં બધા જ ધર્મોના કેટલાક નિયમો એવા હોય છે કે તે ઉપરોક્ત વર્ણનની અવગણનાકરતા હોય અને અનુયાયીઓ તેમનો વગર વિચાર્યે અમલ કરતા હોય છે. અને તે પણ શ્રધ્ધાને નામે. પરમેશ્વર જો સર્વવ્યાપી હોય તો પછી મોઝીસને તેના અનુયાયી યહૂદીઓ સાથે ઈજીપ્ત છોડીને જતારહેવાની સલાહ ઈશ્વરે પોતે આપી હોય તે શક્ય જ નથી છતાં યહૂદીઓ તેમાં માને છે. આવા જ અવિચારીપણાને લીધે તો અત્યંત અમાનુષી, ઘૃણાસ્પદ અને અન્યાયી એવી આપણી જ્ઞાતિપ્રથા અસ્તિત્વમાંઆવી અને ટકી પણ શકી.

ઉપર કહ્યું તેમ તર્કની શરૂઆત જ શ્રધ્ધાથી થાય છે. તો તર્કના બીજા છેડે પણ શ્રધ્ધા હોય છે. જે પશ્નોના જવાબ આપણે તર્કથી નથી આપી શકતા તેમના ઉત્તર માટે આપણે શ્રધ્ધાની સહાય લેવી પડે છે. કેટલાક સંજોગોમાં તે ખોટું પણ નથી. પરંતુ જે બાબતો બુધ્ધિથી વિચારી શકાય તેમને માટે શ્રધ્ધાનો સહારો લેવો યોગ્ય નથી. વળી જેમ જેમ માનવજાતનું સામૂહિક જ્ઞાન વધતું જાય તેમ તેમ તર્કનો આધારવધારતા જવું જોઇએ. જેમ કે યાજ્ઞવલ્ક્ય ઇત્યાદિ ઋષિઓએ ભલે એમ કહ્યું હોય કે પૃથ્વી શેષનાગ પર આધારિત છે હવે તો આપણે એ માન્યતા ફગાવવી જ રહી.

યાજ્ઞવલ્ક્ય અને ગાર્ગીના પ્રશ્નોત્તરને અંતે યાજ્ઞવલ્ક્યએ કહ્યું કે છેલ્લા સવાલનો જવાબ કોઈથી આપી શકાય તેમ નહોતો. અન્ય પ્રશ્નોના તેમણે આપેલા જવાબ તેમના અનુમાનો તેમજ પોતાની કલ્પના પરનીતેમની શ્રધ્ધા પર આધારિત હતા. પરંતુ અમુક બાબતો તો કલ્પના અને શ્રધ્ધાની પણ પારની હોય છે. ખરેખર તો ગાર્ગીના પહેલા પ્રશ્ન 'પૃથ્વી કોના આધારે છે?' નો યાજ્ઞવલ્ક્યનો ઉત્તર પણ ખોટો હતો. તેનાપરથી પૂછાયેલા અનુગામી પ્રશ્નોના ઉત્તર કેટલે અંશે સાચા હતા તે તો કોણ જાણી શકે?

તર્ક તેમજ શ્રધ્ધાની પારના પણ કેટલાક વિષયો છે. સૌથી મોટી ભૂલ આપણો અને લગભગ બધા જ ધર્મો કરે છે કે આવી બાબતો, જેવી કે જન્મ પહેલાં અને મૃત્યુ પછીની આત્માની સ્થિતિ અને ગતિ, અંગેનાપ્રશ્નોના જવાબ આપે છે. આ જવાબો ન તો શ્રધ્ધા પર કે ન તો તર્ક પર આધારિત હોય છે. તે તો કાલ્પનિક અનુમાનો હોય છે. એક વાર કોઈએ કલ્પના કરી એટલે 'અહો રૂપં અહો ધ્વનિઃ' ની જેમ તેમનાસાથીઓએ અને શિષ્યોએ સ્વીકારી લીધી અને પ્રચલિત થતી ગઈ. તે કલ્પના ઈશ્વરના વર્ણનને અનુરૂપ છે કે નહીં તે વિચારવાની તસ્દી કોણ લે? દાખલા તરીકે પૃથ્વી અને માનવજાતની ઉત્પત્તિ માટે આદમઅને ઈવની વાર્તા જીનેસિસના લખનારે કલ્પી, કહી અને લખી. લખનાર પ્રત્યેના સકારણ અથવા નિષ્કારણ આદરભાવને લીધે સાંભળનાર અને વાંચનારાઓએ વગર વિચાર્યે તેને ઈશ્વરના શબ્દની પદવીઆપી. પણ થોડો વિચાર કરતાં જણાશે કે તે વાર્તા જો સાચી હોય તો પરમેશ્વર ધારવા જેટલો શક્તિશાળી, જ્ઞાની કે દીર્ઘદૃષ્ટિવાળો નહીં હોય જે આપણા મૂળભૂત ગૃહિતથી ઊંધું પરિણામ છે. (જુઓ આ લખનારનું અંગ્રેજી લખાણ UnGodly Genesis) ડાર્વિનનો ઉત્ક્રાન્તિવાદ ખોટો સાબીત થાય તો પણ જીનેસિસની વાર્તા તો અસ્વીકાર્ય જ ગણાવી જોઈએ. પરંતુ અંધશ્રધ્ધાળુઓ તો તેમાં માન્યા જ કરશેઅને તે પણ શ્રધ્ધાના ભ્રામક નામ હેઠળ. તેવી જ રીતે આપણે હિંદુઓ પણ ચોર્યાશી લાખ યોનિ વાળી વાત માની લઈએ છીએ.

આપણા ધર્મગુરૂઓ કહે છે કે 'બ્રહ્મં સત્યં જગન્મિથ્યા'. બ્રહ્મ કદાચ સત્ય હશે, પરંતુ જગત જો મિથ્યા હોય તો પછી વસુદેવસુત કંસચાણુરમર્દન દેવકીપરમાનંદ કૃષ્ણ પણ મિથ્યાગુરૂ જ ગણાવા ન જોઈએ? શંકરાચાર્ય અને અન્ય જગદ્ગુરૂઓ પણ મિથ્યાગુરૂઓ જ હોય ને? મિથ્યા જગતના મિથ્યા લોકોના ઉધ્ધાર માટે ચાર ચાર મઠ બંધાવવાની શી જરૂર હતી? આટલા બધા ધર્મોપદેશોની પણ શી જરૂર? આ સૂત્રનુંવિવેચન પણ તર્ક પર જ આધારિત હોય છે. જગતની બધી વસ્તુઓ બદલાયા કરે છે તેથી તે મિથ્યા છે અને બ્રહ્મ બદલાતું નથી તેથી સત્ય છે એમ આપણને સમજાવવામાં આવે છે. એટલે ખરેખર તો એમકહેવું જોઈએ કે 'બ્રહ્મં નિત્યં જગત્ અન્યથા'. પણ બદલાયા કરે તેથી જ કાંઈ જગત મિથ્યા નથી થઈ જતું.

સત્ય અને ન્યાય પરસ્પર આધાર રાખે છે. ન્યાય વિનાનું સત્ય નકામું છે, સત્ય વિના ન્યાય અશક્ય છે. એટલે જો કોઈ વાત બેમાંથી એક્નું સમર્થન કરતી ન હોય તો તે સમાજને માટે નિરૂપયોગી તો ખરી જપણ હાનિકારક પણ હોઈ શકે છે. તેથી જે અસત્યો અને અન્યાયોને આપણે અત્યાર સુધી સ્વીકારી અને ચલાવી લીધા છે તેમને ઉઘાડા પાડવા જોઈએ કે જેથી તેમણે કરેલા નુકશાનને અટકાવી અને સુધારીશકાય.

બુધ્ધિ અને તર્કની મર્યાદા તો જાણવી જ જોઈએ પણ શ્રધ્ધાની મર્યાદા જાણવી પણ જરુરી છે.

અસત્યો અને અન્યાયો, UnGodly Genesis

Home