વાંચકને પત્ર
('તતૂડી' ઉપનામથી આ વેબસાઈટ વર્ષો પહેલાં શરુ કરી ત્યારે મને જાણ ન્હોતી કે માનનીય શ્રી વિક્રમ દલાલના લેખોનો સંગ્રહ 'મારી તતૂડી' નામે પ્રસિદ્ધ થયો છે. મેં આ ભૂલ અંગે તેઓની માફી માંગી. તેઓએ ખુબ મોટું મન રાખી મને માફી આપી તે બદલ હું તેઓનો ઋણી છું અને હૃદયપૂર્વક આભાર માનું છું.)
પ્રિય વાંચક,
આ વેબ સાઈટ ખોલવા બદલ આભાર. બહુ ઓછા ખોલે છે. કેટલાક નિકટના મિત્રો સંબંધીઓ તો આ સાઈટ ખોલતા જ નથી. કારણ કે તેઓને લાગે છે કે મારા મંતવ્યો પરંપરાથી જુદા છે તેથી ખોટા જ હોવા જોઈએ. તેમના માટે આ સાઈટ કોલસાની ખાણ છે. મને કબુલ છે કે આ એક સોનેરી વાસણ નથી કે જેમાં સત્ય ઢંકાઈ ગયું હોય. આ ખાણમાંથી કોઈને પણ કોહિનૂર હીરો તો મળવાનો નથી જ, કદાચ કોઈ હીરાકણી મળી જાય. હાથ બગાડી જુઓ, ગુમાવવાનું હોય તો તે કેવળ થોડા કલાકો અને પારંપરિક માન્યતા જ છે.
અહીં રજુ કરેલા વિચારો ઘણા વાંચકોને ગમતા નથી. તમને પણ કદાચ નહીં ગમે. તમારે ગમાડવા જ જોઈએ એવો મારો આગ્રહ પણ નથી.
જુદા જુદા શબ્દોમાં કહેવાએલી પણ મૂળ મુદ્દે એકની એક વાતો વાંચી કે સાંભળી ને કંટાળી ગયા હો, તે વાતો શંકાસ્પદ લાગતી હોય અને તેમની યથાર્થતા ચકાસવાની ઈચ્છા હોય તો ચાલો આપણે તેમ કરીએ પછી ભલે આપણે સહમત ના પણ થઈએ. તે પહેલા થોડી ભૂમિકા જોઈ લઈએ.
પ્રચલિત વાર્તાઓમાં હું કશો ફેરફાર નથી કરતો, કેટલાક ધર્મપ્રચારક કરે છે. એક તો કહેતા કે વિશ્વામિત્રનો મેનકા સાથે તપોભંગ થયો જ ન્હોતો. જાણે શકુંતલા અને તેનો પુત્ર ભરત જન્મ્યા જ ન્હોતા અને આપણા દેશનું નામ કોઈ બીજા જ ભરતના નામ પરથી 'ભારત' પડ્યું હશે! હું તો કેવળ તે વાર્તાઓમાં રહેલી વિસંગતતાઓ દર્શાવી તેમના જુદા અર્થઘટન કરું છું. આ તો કોઈ પણ વ્યક્તિ તેની સામાન્ય બુધ્ધિ વાપરીને કરી શકે જો પોતાની લઘુતાગ્રંથી ત્યજી દે તો. તેમ કરવાની ધ્રુષ્ટતા હું કરું છું તેટલું જ.
હું તો ફક્ત હકીકતો અને તેમનું દેખીતું (obvious) અર્થઘટન રજુ કરું છું. તેમાંથી કેટલું સ્વીકારવું તે તમારે જાતે વિચારીને નક્કી કરવું, પણ વિચાર્યા વિના બીજાના કહેવાથી નહિ.
અહીં જે લખાણો રજુ કર્યા છે તે નિબંધ કે લેખ નથી. નિબંધ તો ઉત્તમ કક્ષાના હોય જે સાહિત્યની આવડત અને વિદ્વત્તા પૂર્વક લખવા પડે. લેખ પણ વ્યવસ્થિત વિચાર અને નિષ્કર્ષ વ્યક્ત કરે. જયારે મારા લખાણો તો જુદા જુદા સમયે સુઝેલા મુદ્દાઓની ખીચડી જેવા કે ભાતીગળ ગોદડી (રજાઈ quilt) જેવા અસ્તવ્યસ્ત ફકરાઓ છે. છતાં આશા રાખું છું કે વાંચકને વિચાર કરવા થોડું તો ભાથું પૂરું પાડશે.
હું કોઈ વિદ્વાન નથી. એક સામાન્ય માનવી છું, અસત્યોના પ્રચારના પડઘમ વાંચી સાંભળી કંટાળેલો. બહુ વખણાયેલા આપણા કહેવાતા મહાન પાત્રોની મહાનતા કેટલી પોલી છે તે જણાતાં આ બધા લખાણ રજુ કરવા તૈયાર થયો. બચપણ અને યુવાનીમાં ધાર્મિક હતો. હવે નથી. ધર્મવિરોધી પણ નથી. સત્ય, ન્યાય અને માનવીય આચરણનો આગ્રહી છું.
આસ્તિકતાના આફરા અને નાસ્તિકતાના નશા ટાળીને વૈચારિક સંતુલન જાળવવું જરૂરી છે. અધ્યાત્મવાદી ધર્માત્મા ગુરુઓના પ્રપંચ અને બુદ્ધિવાદી તર્કાત્મા રેશનાલીસ્ટોના ઘમંડ વચ્ચે ગુંચવાતી જનતાને એવા વિકલ્પની જરૂર છે કે જેનો અમલ કરી શકાય. 24/7 અક્કલ વાપરવાનું શક્ય નથી હોતું. જનસાધારણને રુચે તેમ જ પચે તેવું વાંચન પીરસવું જોઈએ. તેમ કરવાનો અહીં પ્રયાસ કરું છું.
હું ચાર્વાકી નથી. પુનર્જન્મ હોઈ શકે એમ માનુ છું પણ મોક્ષેષણાનો વિરોધી છું. દેવું કરીને ઘી પીવામાં નથી માનતો તો બચત કરેલા પૈસા ખર્ચી હવનાદિ વિધિમાં ઘી બાળવામાં પણ નથી માનતો. બ્રહ્મ સત્ય છે કે નહીં તે વિચારવાની મારી ક્ષમતા નથી. પરંતુ જો જગત મિથ્યા હોય તો જગદીશને પણ મિથ્યેશ તેમ જ જગદ્ગુરૂને મિથ્યાગુરુ કહેવા જ પડે તેથી જગતને પણ સત્ય માનું છું. ભક્તિ એટલે જીવાત્મા રૂપી પત્નીનો પરમાત્મા રૂપી પતિ માટેનો ઉત્કટ પ્રેમભાવ. તે જાહેરમાં કે સમૂહમાં કરવાની ના હોય એવી મારી શ્રદ્ધા છે.
મારી કોઈ પણ વાત ના માનો તો પણ એક વાત જરૂર માનજો. તે એ કે તમે પોતે કોઈ 'કૂવાના દેડકા' નથી. તમે તો 'ગગનવિહારી રાજહંસ' બની શકો છો જે સમુદ્રથી હિમાલય સુધી ઉડી શકે છે. તમારી પોતાની વિચાર શક્તિને રૂંધાવા ના દેશો.
પતંગિયું! કેવું સુંદર પણ નાનું, નાજુક જીવડું? તે પણ કુદરતની વ્યવસ્થામાં પોતાનો ફાળો આપે છે. ફૂલોની પરાગરજ ફેલાવીને ફલીકરણ* (pollination) પ્રક્રિયામાં મદદ કરે છે.
આપણે ગગનવિહારી રાજહંસ બની શકીએ તો ઘણું સારું. નહીં તો સમડી જેવા સ્થાનિક પક્ષી પણ બની શકીએ. કશું નહિ તો પતંગિયું તો બની જ શકીએ. દેડકા, અને તે પણ બીજાએ બાંધેલા કૂવામાંના, તો ના જ થવું જોઈએ ને? આપણી વિચારશક્તિ પર બીજાઓએ લાદેલી સીમાઓ ફગાવી દેવામાં જ આપણું પોતપોતાનું કલ્યાણ છે.
વધુ વિગત બીજા લખાણોમાં છે તેથી તેમનું પુનરાવર્તન અહીં કરવું યોગ્ય નથી. ઈચ્છા હોય તો જુઓ આત્મપરિચય, મારો અભિગમ, Preface or introduction.
______________
*Butterflies are important as pollinators for some species of plants. In general, they do not carry as much pollen load as bees, but they are capable of moving pollen over greater distances.** (From https://en.wikipedia.org/wiki/Butterfly)
**મોનાર્ક જાતના પતંગિયાની ત્રણ પેઢીઓ મેક્સિકોથી કેનેડા સુધીનો લગભગ અઢી હજાર કિલોમીટરનો પ્રવાસ થોડા મહીનાઓમાં કરે છે. તેમની ચોથી પેઢી કેનેડાથી મેક્સિકો થોડા મહીનાઓમાં પાછી જાય છે. https://en.wikipedia.org/wiki/Monarch_butterfly