રાજહંસ, પતંગિયું કે દેડકો
Home
રાજહંસ, પતંગિયું કે દેડકો
મારી અગાઉની એક ઇમેઇલના પ્રતિભાવમાં એક દિલોજાન દોસ્તે લખ્યું છે, " We have limited knowledge and we are like क़ूवानो देड़को."
હવે હું મારો કૂવો શોધ્યા કરું છું. હું કોઈ કૂવામાં છું કે કેમ?
क़ूवानो देड़को રૂપક વિચારવા જેવું છે.
તેનો હેતુ સમજીએ. ગુરુઓ તેમના શિષ્યો અને અનુયાયીઓને દબાયેલા રાખવા તેનો ખૂબ ઉપયોગ કરે છે. બીજાઓને લઘુ બનાવ્યા વિના તો ગુરુ બનાય નહિ.અને જો બધા પોતપોતાની બુદ્ધિ વાપરે તો ગુરુ કોણ બને? ગુરુઓ જ નહિ બીજા પણ વાડાવડાઓ તેમના વાડા સાચવવા આ રૂપક છૂટથી વાપરે છે.
કૂવા પણ કેવા કેવા હોય છે! કોઈ કૂવો નદીની એટલો પાસે હોય કે પાણી આવ્યા કરે, સાથે સાથે નદીના પ્રદૂષણો પણ લાવે. ખેતરમાંના કૂવામાં પાણી આવે ઓછું, તેમાં ખાતર-કીટકનાશકો વગેરે ભરપૂર હોય. કોઈ કૂવામાં ઝરણ ઓછું હોય તે જલદી સુકાઈ જાય ને વરસાદની રાહ જોવી પડે. બહુ ઓછા કૂવા સારા અને પૂરતા પાણીવાળા હોય છે. કૂવાના થાળા પણ જાતજાતના જોવા મળે. કોઈ કૂવા તો જમીન સાથે સમતળ અરક્ષિત હોય તો કોઈના થાળા કાચા, કોઈ પાકા, કોઈ ઊંચા, કોઈ નીચા, કોઈ ગરગડીવાળા. દેડકા હોય તો તે કૂદીને જાય ક્યાં? એટલું ખરું કે દેડકાઓને ખવાઈ કે ખોવાઈ જવાનો ડર નહીં.
તેવી જ રીતે વિચારસરણીના કૂવા પણ વિવિધ પ્રકારના હોય છે પણ બધા બંધિયાર. કોઈ આધ્યાત્મના કે ધર્મના, સંપ્રદાયના, કોઈ રાજનીતિના, કોઈ વ્યાપારના તો કોઈ સમાજના, કોઈ રેશનાલિઝમના, કોઈ વિજ્ઞાનદ્વેષીઓના કે વિજ્ઞાનપ્રેમીઓના, તો કોઈ અનીશ્વરવાદના, બસ કૂવા જ કૂવા. અમેરિકામાં તો think tank હોય છે, સ્થિર પાણીની તળાવડીઓ જેવી. Conservative, liberal, libertarian, Democratic, Republican, capitalistic, socialistic વગેરે, બધી એકતરફી રજૂઆતો કર્યા કરે.
કૂવામાં પડી રહેવું માનવ દેડકાઓ માટે ફરજીયાત નથી. થોડો પ્રયત્ન કરવાથી અને બુદ્ધિ વાપરવાથી આપણે કૂવાની બહાર જઈ શકીએ છીએ. બુદ્ધિ મળી છે તે નહીં વાપરવાથી તે આપનારનું અપમાન થાય છે તે સમજવું જોઈએ.
મારાથી તો કોઈ કૂવાવામાં ટકાતું નથી. બીજા દેડકાઓને મારા વિચારો ગમતા નથી હોતા. અનીશ્વરવાદીઓને અપ્રિય છું કેમ કે હું સાવ નાસ્તિક થઇ શકતો નથી. ઈશ્વરવાદીઓ આશા રાખે છે કે તેમના જ કૂવામાં કુદ્યા કરું. તેવું જ બીજા પ્રકારના કૂવાઓમાં થાય છે.
ખેર, આ લખનાર તો એવો દેડકો છે જે વહેતી નદીના નિર્મળ પાણીમાં તર્યા કરે છે અને અવારનવાર જમીન પર પણ આંટો મારી આવે છે. અને નદીઓના પાણીમાં તેમજ બંને કાંઠે જમીન પર નદીના મૂળ થી મુખ સુધીનું બધું ચકાસી આવે છે. કોઈ મગર કે અજગર એને ગળી તો જુએ, તેનું પેટ ફાડીને બહાર આવે.
તે કોઈથી અંજાય નહિ, કોઈને આંજે નહિ; કોઈથી બંધાય નહિ, કોઈને બાંધે નહિ.
મારી કોઈ પણ વાત ના માનો તો પણ એક વાત જરૂર માનજો. તે એ કે તમે પોતે કોઈ 'કૂવાના દેડકા' નથી. તમે તો 'ગગનવિહારી રાજહંસ' છો અને સમુદ્રથી હિમાલય પાર ઉડી શકો છે. તમારી પોતાની વિચારશક્તિને રૂંધાવા ના દેશો.
પતંગિયું! કેવું સુંદર પણ નાનું, નાજુક જીવડું? તે પણ કુદરતની વ્યવસ્થામાં પોતાનો ફાળો આપે છે. ફૂલોની પરાગરજ ફેલાવીને ફલીકરણ* (pollination) પ્રક્રિયામાં મદદ કરે છે.
આપણે ગગનવિહારી રાજહંસ બની શકીએ તો ઘણું સારું. નહીં તો સમડી જેવા સ્થાનિક પક્ષી પણ બની શકીએ. કશું નહિ તો પતંગિયું તો બની જ શકીએ. દેડકા, અને તે પણ બીજાએ બાંધેલા કૂવામાંના, તો ના જ થવું જોઈએ ને? આપણી વિચારશક્તિ પર બીજાઓએ લાદેલી સીમાઓ ફગાવી દેવામાં જ આપણું પોતપોતાનું કલ્યાણ છે.
પતંગ શબ્દનો એક અર્થ સૂર્ય પણ થાય છે, સંસ્કૃતમાં. આપણે તો પૃથ્વી પરના પતંગની જ વાત કરીએ. કાગળના બનેલા પતંગ કેવા કેવા હોય છે! તેના કદ અને આકાર પ્રમાણે તે નર કે માદા કહેવાય. જુદા જુદા પ્રદેશોમાં પણ લિંગ ભેદ હોય. ઊંચે આકાશમાં ઉડવા અને દૂર દૂરના પ્રદેશોનું સૌંદર્ય જોવા મળે. જયારે પતંગિયું? સાવ નાનું, નામ પણ નાન્યતર જાતિનું, હીનતાદર્શક. નીચે નીચે ફડફડયા કરવું પડે.
પરંતુ મોટો ફેર છે, નિર્જીવ પરાવલંબી કે સજીવ સ્વાવલંબી હોવાનો. પતંગે તો વીંધાવું પડે, પછી દોરી વડે બંધાવું પડે. પતંગ ફાટી, પલળી કે સળગી ના જાય તેનું ધ્યાન પોતે ન રાખી શકે. માનવી ચગાવે તો જ ઊંચે જવાય, નહિ તો કશેક પડી રહેવાનું. જયારે પતંગિયું તો જાતે ઉડે ને જ્યાં જવું હોય ત્યાં જાય. સાથે પરાગરજને ફેલાવી ફૂલોનું ફલીકરણ કરે.
આપણે પણ કોઈ નેતાના અનુયાયી કે ગુરુના શિષ્ય બનીને પતંગની જેમ તેમના ચગાવેલા ચગી શકીએ અથવા પતંગિયાની જેમ સ્વતંત્ર વિચાર કરીને જીવી શકીએ. રાજહંસ પણ બની શકીએ કે સમડી બની શકીએ. નહી તો પતંગિયું તો જરૂર બની શકીએ. તો પતંગ શું કામ બનીએ?
______________
*Butterflies are important as pollinators for some species of plants. In general, they do not carry as much pollen load as bees, but they are capable of moving pollen over greater distances.** (From https://en.wikipedia.org/wiki/Butterfly)
**મોનાર્ક જાતના પતંગિયાની ત્રણ પેઢીઓ મેક્સિકોથી કેનેડા સુધીનો લગભગ અઢી હજાર કિલોમીટરનો પ્રવાસ થોડા મહીનાઓમાં કરે છે. તેમની ચોથી પેઢી કેનેડાથી મેક્સિકો થોડા મહીનાઓમાં પાછી જાય છે.
https://en.wikipedia.org/wiki/Monarch_butterfly and
https://www.youtube.com/watch?v=lWOySU_hAz0