હિંદુ ધર્મ બહુઈશ્વરવાદી છે?
હિંદુ ધર્મ બહુઈશ્વરવાદી છે?
(English version is at Monotheism of Hinduism)
મારા બીજા બધા લખાણોમાં આ લખનારે આપણા ધર્મના નબળા પાસાઓ વિષે ચર્ચા કરી છે. હવે એક એવા પાસા વિષે લખવું છે કે જે ઘણી ગેરસમજને લીધે પ્રચલિત છે. તે છે બહુઈશ્વરવાદ.
ઘણા લોકો માને છે કે હિંદુ ધર્મમાં અનેક ઈશ્વરો છે. અસંખ્ય દેવ-દેવીઓ છે. તેત્રીસ કરોડ દેવતાઓ છે વગેરે વગેરે. આનાથી નારાજ થઈને એક મિત્રે બીજો ધર્મ અપનાવી લીધો. (જો કે તે બીજા ધર્મમાં પણ અનેક શાખાઓ અને ફાંટા છે.) ખરેખર તો હિંદુ ધર્મ પણ એક જ ઈશ્વરમાં માને છે. પરંતુ પાશ્ચાત્ય 'વિદ્વાનો'એ સમજ્યા વગર તેને બહુઇશ્વરવાદી ચીતરી કાઢ્યો છે. તેઓ યહૂદી, ઈસાઈ અને ઈસ્લામ ધર્મોને એકેશ્વરવાદી (monotheistic) ધર્મો ગણે છે, બાકીનાને બહુઇશ્વરવાદી. સિવાય કે નિરીશ્વરવાદીઓના માનીતા સાયન્ટીસ્ટ મીસ્ટર રીચાર્ડ ડોસન ના જાણીતા પુસ્તક The God Delusion માં તેમણે લખ્યું છે કે હિંદુ ધર્મ એકેશ્વરવાદી છે.
હિંદુ ધર્મ એક જ પુસ્તક પર આધાર રાખતો નથી. આપણા અનેક પુસ્તકો પૈકી ખુબ અગત્યનું છે 'ઇશાવાસ્ય ઉપનિષદ'. કેવળ અઢાર શ્લોકોના આ ગ્રંથ માટે કહેવાયું છે કે બીજા બધા કોઈ કારણસર નાશ પામે અને આ એક જ બચી જાય તો તેના બીજમાંથી હિંદુ ધર્મનું આખું વૃક્ષ ફરી પાછું ઉગી જાય. આ ઉપનિષદમાં જે તત્વજ્ઞાન છે તે કોઈ એક જ દેવ કે દેવીની ઉપાસના માટે નથી. એવું સાર્વત્રિક છે કે આખી માનવજાતને કામ લાગે તેવું છે.
આ ઉપનિષદ પરમેશ્વર (પરમતત્વ, પરબ્રહ્મ ) માટે કહે છે
तदेजति तन्नेजति तद् दूरे तद्वन्तिके |
तदन्तरस्य सर्वस्य तदु सर्वस्यास्य बाह्यत: ||
"તે જન્મે છે , તે નથી જન્મતું નથી, તે દૂર છે, પાસે પણ છે. તે બધાની અંદર છે, બધાની બહાર પણ છે." આવા સર્વ વ્યાપી પરમેશ્વરને માનનાર માટે કહ્યું છે કે
यस्तु सर्वाणि भूतानि आत्मन्येवानुपश्यति |
सर्व भूतेषु चाSत्मानं ततो न विजुगुप्सते ||
જે બધા પ્રાણીઓમાં પોતાને કે (ઈશ્વરને) અને પોતાનામાં (કે ઈશ્વરમાં) બધા પ્રાણીઓને જુએ છે તે ઘૃણા કરતો નથી.
ઘૃણા કર્યા સિવાય હિંસા ના થઇ શકે. લડાઈ ઝઘડા પણ ના કરી શકાય. વિશ્વશાંતિ માટે આનાથી વધુ શું જોઈએ?
કહ્યું છે કે
आकाशात्पतितं तोयं यथा गच्छति सागरं |
सर्वदेव नमस्कृत्यं तथा गच्छति परमेश्वरं ||
જેવી રીતે આકાશમાંથી પડેલું પાણી સાગરમાં પહોંચે છે તેવી રીતે બધા દેવોને કરેલા પ્રણામ પરમેશ્વરને પહોંચે છે.
गुरु: ब्रह्मा गुरु: विष्णु गुरु: गुरु: देवो महेश्वर: |
गुरु: साक्षत् परब्रह्म: तस्मै श्री गुरवे नम: ||
શ્લોક પરથી જણાય છે કે બ્રહ્મા, વિષ્ણુ અને શિવજીની ઉપર પણ પરબ્રહ્મ છે.
જો હિંદુ ધર્મ આવા પરમ તત્વને માનતો હોય તો અનેક દેવી દેવતાઓ કેમ છે? આને માટે એક ઉદાહરણ લઈએ. આ ઉદાહરણ બીજગણિત (algebra) ના સમીકરણ (equation) જેવું જડબેસલાખ નથી પરંતુ મુદ્દો સમજવા માટે કામનું છે.
ધારો કે કોઈ એક વ્યક્તિની ઈચ્છા ભારતમાતા (કે સામમામા અર્થાત અમેરિકા જેનું હુલામણું નામ 'અંકલ સામ' Uncle Sam છે અથવા બીજા કોઈ દેશ) ની સેવા કરવા ઈચ્છે છે. હવે ભારતમાતાને ક્યાં શોધવા? તેઓ તો બધે જ છે અને વ્યક્તિ તરીકે શોધવા જઈએ તો ક્યાંય નથી. દેશપ્રેમી બધા ભારતીઓના હૃદયમાં છે પછી ભલે તેઓ દેશમાં વસતા હોય કે પરદેશમાં. દેશસેવા કરવા માટે બે મુખ્ય માર્ગ છે, સરકારી નોકરી અથવા ખાનગી નોકરી ધંધો. વેપારીઓ પણ આડકતરી રીતે દેશ સેવા કરી શકે જો તેઓ અનીતિ ના આચરે તો. છતાં આપણો દેશભક્ત સરકાર દ્વારા દેશસેવા કરવા ઈચ્છે તો બે રસ્તા, સૈન્ય કે નાગરિક નોકરી. તેમાં પણ ભૂમિદળ, નૌકાદળ કે હવાઈસેના માં જોડાઈ શકે કે પછી ન્યાયતંત્ર, વિધાનતંત્ર કે પ્રશાસન મારફત દેશસેવા કરી શકે. કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર કે પછી જીલ્લા પંચાયત કે નગરપાલિકા મારફત પણ સેવા કરી શકે. ટૂંકમાં જુદી જુદી ઘણી રીતે માણસ તે કરી શકે. તેમ કરવા જતા તે પોતાની જાતની પણ સેવા કરે જ છે કારણ કે તેની સેવાનો લાભ જે બધા દેશબંધુઓને મળે તેમાં તે પોતે પણ સામેલ છે.
હવે વિચારો. આપણો આ દેશભક્ત શું પ્રત્યેક વાતમાં રાષ્ટ્રપ્રમુખની આજ્ઞા કે અનુમતિ લેવા જશે? તે તો વ્યવહારમાં શક્ય નથી. તેથી તે પોતાના ઉપરીની સુચના અનુસાર પોતાની કામગીરી નિષ્ઠાપૂર્વક બજાવશે. તેવી જ રીતે પરમતત્વનો ભક્ત પણ નિરંજન નિરાકારનો સંપર્ક કરવાને બદલે તેના જે કોઈ આધ્યાત્મિક માર્ગદર્શક હોય તેમના દ્વારા ભક્તિ કરશે. અહીં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની ત્રિપુટીની ઉપરાંત જુદા જુદા દેવદેવીઓની વ્યવસ્થા લોકોને સરળતા કરી આપે છે. અનેક લોકો પોતપોતાની રીતે પરમતત્વની ઉપાસના કરતા હોય તેમનો સમન્વય કરવામાં આવ્યો. તેત્રીસ કરોડ દેવતાઓ તો આઝાદી સમયે હતા, હવે તો એકસોત્રીસ કરોડ દેવતાઓ છે કારણ કે પ્રત્યેક ભારતીય દેવતા બનવાની ક્ષમતા ધરાવે છે. દેવતા શબ્દનું ભાષાંતર God કરવામાં આવ્યું તેથી બધી ગેરસમજ ઉભી થાય છે. અંગ્રેજીમાં ઈશ્વરીય વિભૂતિઓ માટે god, lord અને angel સિવાય બીજા શબ્દો નથી. દેવતાઓને angels કહી શકાય.
આમ પરબ્રહ્મની પૂજા સીધે સીધી કરવાને બદલે તેના પ્રતિનિધિ તરીકે વિષ્ણુ, શિવજી કે બ્રહ્માની અથવા અંબામાતા, દુર્ગામાતા જેવા દેવ દેવીઓની પૂજા કરવામાં આવે છે તેમાં કશું ખોટું નથી. એટલું ખરું કે શીતળામાતા, બળિયા બાપા કે હોળીમાતાની પૂજા ના કરવી જોઈએ.
બાઈબલમાં નીચે પ્રમાણે જણાવેલું છે.
"26 And God said, Let us make man in our image, after our likeness: and let them have dominion over the fish of the sea, and over the foul of the air, and over the cattle, and over all the earth, and over every creeping thing that creepeth upon the earth.
27 So God created man in his own image, in the image of God created he him; male and female created he them." (Genesis 1:26-27; King James Version)
આમ બાઈબલ અનુસાર, મનુષ્યો ઈશ્વર જેવા બનાવ્યા છે અર્થાત ઈશ્વર મનુષ્યો જેવો છે. આપણે દેવોની મૂર્તિઓ માનવ સ્વરૂપમાં બનાવીએ છીએ તે બાઈબલના વર્ણન જેવી જ પ્રથા છે. અબ્રાહમ અને મોઝીસના સમયમાં તે વિસ્તારમાં લોકો બિલાડી વગેરે પશુઓની મૂર્તિ બનાવી તેમની પૂજા કરતા તેથી મુર્તીપુજા બદનામ થઇ. પરંતુ માનવરૂપની મૂર્તિઓની પૂજાનો પણ વિરોધ કરવામાં અવે તો તે બાઈબલની પણ વિરુદ્ધ છે.
ઘણા વિધર્મી મિત્રોએ મને કહ્યું છે કે તેઓ 'જીવંત ઈશ્વર' (living God) માં માને છે. તેઓનું સૌજન્ય કે મને સ્પષ્ટ કહ્યું નહિ કે 'તમે હિંદુઓ તો નિર્જીવ પથ્થરોમાં માનો છો' પણ તે અધ્યાહાર રાખવામાં આવ્યું હતું, મારે સમજી જવા માટે. મેં પણ તેમને કહ્યું નહિ કે તેઓ તો શબોની અને હાડકાઓની કે વાળની પણ પૂજા કરતા હોય છે. કહેવાતા એકેશ્વરવાદી ધર્મોમાં પણ તેમના અનુયાયીઓ કાંઈ પરમેશ્વરની ભક્તિ સીધેસીધી નથી કરતા. પોતપોતાના નાયકની મારફત જ કરે છે. તે એટલે સુધી કે એક પંથના અનુયાયી બીજા પંથના ધર્મસ્થળમાં પ્રવેશ પણ ના કરે અને પોતાના ધર્મસ્થળમાં બીજાને પ્રવેશ ના કરવા દે એવું પણ બની શકે છે. જયારે કેટલાક હિંદુઓ તો સજીવ પ્રત્યક્ષ ગુરુઓને ઈશ્વર માની તેમની પૂજા કરે છે.
ગુરુ પૂજા અંગે એક ચોખવટ કરવા જેવી છે. કહ્યું છે કે "ગુરુ ગોવિંદ દોનોં ખડે કિસકો લાગું પાય, બલિહારી ગુરુ આપકી ગોવિંદ દિયો બતાય." ગુરુ એકલા નથી ઊભા, સાથે ગોવિંદ પણ ઊભા છે. અને આ ગુરુ એટલા નિખાલસ છે કે પોતાની જાતને પરમેશ્વર કહેવાને બદલે ગોવિંદને બતાવી દીધા. ગુરુપૂજા કરતા પહેલા આ વાત સમજવી જોઈએ.
-----000-----