આપણે કોણ છીએ?

Home

"ગૌતમ બુદ્ધે કંસને માર્યો ના હોત તો રામને કોણ યાદ કરત?" આવો વિચિત્ર પ્રશ્ન સહેતુક પૂછ્યો છે.

કોઈ કહેશે કે વર્ધમાન પુત્ર સિદ્ધાર્થ એટલા કરુણામય હતા કે પક્ષીને પણ મારી શકતા નહોતા તે કોઈ માનવને તો મારે જ નહીં. વળી કંસને તો શ્રીકૃષ્ણે માર્યો હતો. ને રામચંદ્રજીને તો દશાનન રાવણને મારવા માટે યાદ કરીએ છીએ.

ભલા વાંચક, આ ત્રણ અને બીજા છ મળીને નવે નવ અવતારો ભગવાન શ્રી વિષ્ણુ ના જ છે ને? તો પછી એક ને બદલે બીજાનું નામ મુકીએ તો શો વાંધો હોઈ શકે? આપણા ભજનોમાં તો રામ અને કૃષ્ણના નામની અદલાબદલી ચાલતી જ હોય છે ને!

વાંધો છે. તેમની ઓળખનો. પ્રત્યેકની ઓળખ જુદી જુદી છે; તેમની ભેળસેળ ના કરી શકાય. નવમા, આઠમા અને સાતમા અવતારોની 'જન્મ'જયન્તિઓની ઉજવણી કરવા છતાં સંતોષ ન પામેલા લોકોએ છઠ્ઠા અવતારની પણ 'જન્મ'જયંતી ઉજવવા માંડીને પ્રજાની નિષ્ક્રિયતામાં ઉમેરો કર્યો છે કારણ કે તે બધાના શરીરો જુદી જુદી તિથિઓએ 'જન્મ્યા' હતા તે શું શરીરનું મહત્વ નથી બતાવતું? બધા અવતારોની એક 'સર્વાવતાર જયંતિ' ઉજવીને પ્રજાના કામના દિવસો બચાવી ના શકાય?

તા. ૧૧ સપ્ટેમ્બર ૧૮૯૨ ના દિવસે શિકાગોની સર્વધર્મ સભામાં ભાષણ વડે શ્રોતાઓને મંત્રમુગ્ધ કરનાર સ્વામી વિનયાનંદ નહીં પણ સ્વામી વિવેકાનંદ હતા. ઉપરોક્ત સુપ્રસિદ્ધ પ્રવચન 'કોઈ એક મહાન આત્માએ આપ્યું હતું' અથવા 'નરેન્દ્ર નાથ દત્તે આપ્યું હતું' એમ કહીએ તો શું વાંધો? એનો એ જ આત્મા, એનું એ જ શરીર, છતાં નામ ફેર કરવાની આવશ્યકતા કેમ જણાઈ?

તે તો ઠીક પણ કાલ્પનિક સાહિત્યમાં પણ ભેળસેળ ના ચાલે. शुनिमन्वेति श्वा કહેનાર મંજરી જ હતી નહીં કે કુમુદ. "ગ્રામ્ય માતા" ના કવિ 'કલાપી' જ હતા નહીં કે ઝવેરચંદ મેઘાણી. જુલીયેટનો પ્રેમી રોમિયો હતો, હેમલેટ ન્હોતો (પ્રાસ બેસે છે છતાં). યાદી ઘણી લાંબી થાય તેમ છે.

આપણા આધ્યાત્મિક મહાપુરુષો કહે છે કે આપણે આપણા શરીર નથી, કે નથી આપણા મન. "You are not your body. You are not your mind." શું છીએ તે અંગે ઘણી વાતો સાંભળવા મળે છે અને તેની "અનુભૂતિ" (sensation) કરવા માટે જાત જાતના ઉપાયો જાણવા મળે છે જેવા કે ધ્યાન, મનન, યોગ, વિપશ્યના ઇત્યાદિ ઇત્યાદિ. લગભગ બધા આધ્યાત્મિક સાધકો અને સિદ્ધો પોતાના નામ આગળ 'સ્વામી' લગાડે છે અને હસ્તાક્ષર (સહી) કરવામાં પણ પોતાના નવા નામ પહેલા 'સ્વામી' લખવાનું ચુકતા નથી. તે શા માટે? તે શું તેમના અહંકારનું પ્રમાણ નથી હોતું?

ગહન તત્વજ્ઞાન મુમુક્ષુઓ માટે સુરક્ષિત રાખીને આપણા જેવા સાધારણ માનવીઓની વાત કરીએ. કેટલાક સજ્જનો અને સન્નારીઓના સદ્ભાવ અને વ્યવહારની સુગંધ તેમના મરણ બાદ પણ તેમના સંપર્કમાં આવેલા લોકો વરસો સુધી યાદ કરતા હોય છે. તે બધાએ કોઈ વિશેષ સિદ્ધિ મેળવી હોય તે જરૂરી નથી હોતું. બીજી બાજુ એવા પણ ઉચ્ચ અધિકારીઓ હોય છે જેઓ નિવૃત્ત થતાની સાથે હડધૂત થતા હોય છે. આપણું વર્તન જ મહત્વનું હોય છે. અને કશું પણ કામ કરતાં પહેલાં આપણા મને તે કરવાનો વિચાર કરવો પડે. તેથી મનનું પણ મહત્વ તો છે જ.

કહે છે કે શરીરનું મહત્વ નથી. એક રાજ્યના મુખ્ય મંત્રીશ્રી અને તે જ રાજ્યના એક રીઢા ગુનેગારના બંનેના નામ એક હતા. બેઉના કર્મો સાવ જુદા છે. તો તેમની સાચી ઓળખાણ કરવા માટે શરીર જ કામ લાગી શકે ને? અર્થાત શરીરનું પણ મહત્વ છે.

મન તો બન્યું છે જ વિચાર કરવા માટે. મન વિના તો મોક્ષનો પણ વિચાર ના કરી શકાય. તેને વિચાર કરતું બંધ કરવામાં કૃત્રિમતા નથી આવતી? કુવિચાર કરતા નિર્વિચાર સારું હશે, પણ તેના કરતા સદ્વિચાર વધારે સારું નહીં? મનનું પણ ખાસ મહત્વ છે, તેને અવગણવાથી કશો લાભ નથી. મનન કરે તે મનુષ્ય કે માનવી કહેવાય. પશુ પક્ષીઓ અને આપણા વચ્ચે ભેદ એટલો જ છે કે આપણે વિચાર કરી શકીએ છીએ. તે વિચારશક્તિને તાળું મારવાની કશી જરૂર?

બચપણમાં ભણતા હતા તે બે શ્લોકો યાદ ​કરવા જેવા છે.

शशीना च निशा निशया च शशी।

शशीना ​निशया च विभाति नभः॥

અર્થાત્ ચંદ્ર વડે રાત્રી, રાત્રીથી ચંદ્ર અને ચંદ્ર તથા રાત્રી વડે આકાશ શોભે છે. વળી

पयसा कमलं कमलेन पयः ।

पयसा कमलेन विभाति सरः ॥

એટલે કે ​ ​પાણીથી કમળ, કમળથી પાણી અને પાણી તથા કમળ વડે સરોવર શોભે છે.

આ શ્લોકો ભણાવવાનો હેતુ તો કદાચ ત્રીજી વિભક્તિ શીખવવાનો હતો. પણ તેમાં ફેરફાર કરીને કહી શકાય કે

देहेन ​​आत्मा आत्मना च देहः ।

देहेन ​​आत्मना च भवति नरः ॥

શરીર વડે આત્મા અને આત્મા થકી શરીર ટકે પણ બંને મળે તો (અને તો જ) નર (કે નારી) બને છે.

અરીસામાં જેને જોઉં છું તે હું નથી એમ કહેવું ભલે ફેશનેબલ હોય, સત્ય એ છે કે તે હું જ છું અને હું છું જ.

પુનર્જન્મની કલ્પના જો સાચી હોય તો, અને તો જ, ​અગાઉ મારા અનેક જન્મો થયા હશે. ​ ​ક્યારેક કોઈની ગૌરી ગાય કે કોઈનો ટોમી કુતરો કે નામ વગરનો ગધેડો બન્યો હોઈશ. ​ ​કોઈ રોગનું જંતુ બન્યો હોઈશ. ​ ​કદાચ માનવ રુપમાં જુદા જુદા ધર્મો પાળતો R​obert​​,​ રહીમ, ​કે ​રેશમસીંઘ બન્યો હોઈશ.​ ​ તે તે જન્મના 'હું' અને આ જન્મના 'હું' એક નથી.​ ​દરેકની જુદી જુદી ઓળખાણ હતી અને છે. જેમ કે ગાંધીજીના પુર્વજન્મોના સ્વરુપો અને કરમચંદ ગાંધીના પુત્ર ભલે એક જ આત્મા હોય તો પણ આપણે માટે તો પાછલું સ્વરુપ જ 'ગાંધીજી' હતા, બીજા કોઈ નહીં.

આ લખનારને લાગે છે કે આપણે આપણા શરીર, નામ અને કર્મોના સમન્વય છીએ. આ ત્રણમાંથી એકાદ ના હોય તો બીજા બે નિરર્થક અને નિરુપયોગી બની જાય છે જે ઉપરના વાહિયાત જણાતા પ્રશ્ન વડે સ્પષ્ટ થાય છે. આત્મા ભલે વારંવાર જન્મ લેતો હોય પણ તેના જે તે જન્મ દરમ્યાન તેનું જે કંઈ નામ હોય તે અને તે શરીર વડે જે કંઈ કૃત્યો થયા હોય તે વડે જ તેને ઓળખી શકાય અને યાદ કરી શકાય. આપણું નામ સાંભળીને ત્રાહિત વ્યક્તિ ખુશ થાય તો આપણું જીવ્યું સાર્થક, નાખુશ થાય તો નિરર્થક. તમને શું લાગે છે?

Home