ઉકાઈ જળાશયની ભયજનક સપાટી
પાણી ૩૫૧ સુધી ભરવામાં આવે તો પણ ડેમ તુટવાની શક્યતા નથી કારણકે તેની સ્ટ્રકચરલ ડીઝાઇન તે લેવલ માટે કરવામાં આવી છે. કેન્દ્રિય જળ આયોગ દ્વારા ૧૯૭૪માં ઇસ્યુ કરવામાં આવેલા Reservoir Operation Manual માં પણ કામચલાઉ ધોરણે થોડા દિવસો માટે ૩૫૧ ની સપાટી સુધી પાણી ભરવાની છૂટ આપવામાં હતી. હવે ૩૪૫ ને કેમ વળગી રહેવામાં આવે છે તે મોટું રહસ્ય છે.
૩૪૫ અને ૩૫૧ વચ્ચે લગભગ ૩,૭૦,૦૦૦ લાખ ઘનફીટ પાણી સમાઈ શકે. એક લાખ કયુસેક પાણી છોડવામાં આવે તો ૧૦૦ કલાક કરતા પણ વધારે સમય સુધી છોડી શકાય. આ સગવડનો ઉપયોગ ન કરવાથી કોનું શું ભલું થાય છે તે તો ખબર નથી પણ સુરતની પ્રજાનું તો બહુ મોટું અહિત થાય છે જ કારણ કે જરૂર કરતા વધારે પાણી છોડવું પડે છે.
૩૪૫ અને ૩૫૧ વચ્ચે થોડા દિવસો માટે પાણી ભરવામાં આવે તો ઉપરવાસના વિસ્તારની વસ્તીને અગવડ થાય ખરી પણ જાનમાલનું નુકશાન વહેતા પાણીથી થાય તેના કરતા ઘણું ઓછું થાય. આગોતરી ચેતવણી આપીને સ્થળાંતર કરી લેવાય. વળી આ પાણી જયારે ઉતરી જાય ત્યારે જે કાંપ મૂકી જાય તેનાથી જમીન ઘણી ફળદ્રુપ બને. અને જમીનના ધોવાણનો આંશિક ઉપાય થાય. જે કાંપ ૩૪૫ થી નીચે જમા થાય છે તે જળાશયની સંગ્રહક્ષમતા ઘટાડે છે તેથી હાનિકારક છે. જયારે જે કાંપ ૩૪૫ થી ઉપર જમા થાય છે તે જમીનની ફળદ્રુપતા વધારે છે તેથી લાભદાયક છે.
સુરતનું હિત જેમને હૈયે વસ્યું છે તેઓએ ગુજરાત અને ભારત સરકારને નીચેના પ્રશ્નો પુછવા જેવા છે.
૧) ૩૪૫ જો ભયજનક સપાટી હોય તો તે ઓળંગાવાથી કોને શાનો ભય છે?
૨) આ ભય ડેમ બંધાતો હતો ત્યારથી જ હતો કે પાછળથી ઉભો થયો? ક્યારથી? શા કારણથી?
૩) આ ભય કાયમી છે કે કામચલાઉ? જો કામચલાઉ હોય તો તેના નિવારણ માટે ભૂતકાળમાં કેટલા અને કેવા પગલા લીધા? તે સફળ નીવડ્યા કે નિષ્ફળ? ભવિષ્યમાં કયા પગલા લેવાના છો? તે ક્યારે પુરા થશે?
૪) શું એ સત્ય નથી કે ઉકાઈ ડેમની સ્ટ્રકચરલ ડીઝાઇન ૩૫૧ ની જળસપાટી માટે કરવામાં આવી છે?
૫) ઉકાઈ ડેમની સ્ટ્રકચરલ ડીઝાઇન ૩૪૫ ની જળસપાટી માટે જ કરવામાં આવી છે તેવા કોઈ દસ્તાવેજી પુરાવા સરકાર પાસે છે? હોય તો જાહેર કરશો? ના. તો શા માટે નહીં?
૬) જળાશયમાં ડૂબેલા ઘરો પૈકી કેટલાનું પુનર્વસન ૩૪૫ અને ૩૫૧ વચ્ચે કરવામાં આવ્યું હતું? જવાબ જો શૂન્ય હોય તો તેનું કારણ શું હતું?
૭) થોડા દિવસો માટે જળાશયને ૩૪૫ ની સપાટી ઓળંગવા દેવા સામે સરકારને વાંધો છે? હોય તો શા કારણે?
૮) સપાટી ૩૫૧ સુધી ન જવા દઈ શકાય તો ૩૫૦, ૩૪૯, ૩૪૮, ૩૪૭ કે ૩૪૬ સુધી કેમ ન જવા દઈ શકાય? કારણ જણાવશો?
૯) જો પહેલેથીજ પાણીની સપાટી ૩૪૫ પર અટકાવવાની હતી તો ડેમની ટોચની સપાટી ૩૬૫ સુધી લઇ જવાનું શું કારણ હતું?
૧૦) ૧૪ ફીટ ના પર્યાપ્ત Free Board સાથે ટોચની સપાટી ૩૫૯ રાખી શકાઈ હોત કે નહીં? જો ના, તો શા માટે નહીં? જો હા, તો શા માટે ડેમ વધારે ઉંચો બાંધ્યો? (જળાશયની મહત્તમ સપાટી ઉપરાંત મોજા વગેરે કારણે ડેમની સલામતી ન જોખમાય તે માટે ડેમ થોડો વધારે ઉંચો બાંધવો જોઈએ. આ વધારાની ઉંચાઈને ફ્રી બોર્ડ કહે છે. તેની ગણતરી કરવાના સુત્રો હોય છે.)
૧૧) વધારાની ઊંચાઈને લીધે જે વધારાનો ખર્ચ થયો તેને માટે કોણ જવાબદાર હતું?
૧૨) Free Board ૧૪ ફીટ નહિ પણ ૨૦ ફીટ રાખવાની જરૂર હતી એમ કહેતા હો તો તેની અસલ ગણતરી જાહેર કરશો? ના, તો શા માટે નહીં?
આ અને આવા સંબંધિત પ્રશ્નોના સંતોષકારક જવાબ સરકાર ન આપે તો સુરત મ્યુની. કોર્પોરેશન, સુરત ચેમ્બર ઓફ કોમર્સ અને સંબંધિત વીમા કંપનીઓએ કોર્ટમાં જવું જોઈએ. વળી ૩૪૫ અને ૩૫૧ વચ્ચેની જમીન ખરીદી લઇ એકસાલી પાક માટે ખેડવા આપી શકાય, રહેવાની મનાઈ કરી શકાય. આનો ખર્ચ દર ચાર પાંચ વરસે થતા નુકશાન કરતા તો ઓછો જ આવશે.
સુરતની પ્રજા તેમજ સ્થાનિક અધિકારીઓને ઉકાઈ જળાશયના 'રુલ લેવલ' પર ઘણોજ ભરોસો હોય તેવું સમાચારો પરથી જણાય છે.
આ 'રુલ લેવલ' ની પરિકલ્પના (concept) કેવી રીતે કામ કરી શકે તે સમજવા અને વિચારવા જેવું છે. ઉકાઈ જળાશયની 'પૂર્ણ જળાશય સપાટી' (Full Reservoir Level (FRL)) 3૪૫ છે. અર્થાત સિંચાઈ અને વીજળી ઉત્પાદન માટે જળાશય પૂરેપૂરું ભરવું હોય તો ૩૪૫ ની સપાટી સુધી ભરવું જોઈએ. આ લક્ષ્ય ૩૦ મી સપ્ટેમ્બર સુધીમાં હાંસલ કરવું પડે કારણકે ત્યાર બાદ પાણીની આવક થવાની શક્યતા ઘણી ઓછી છે. સિંચાઈ અને વિદ્યુત ઉત્પાદનની દૃષ્ટિથી તો આ કામ ચોમાસાની શરૂઆતમાં જ કરી દેવું જોઈએ. પણ રેલરાહત માટે જળાશય ખાલી રાખવું જોઈએ. આ પરસ્પર વિરોધી જરૂરિયાતોના સમાધાન રૂપે 'રુલ લેવલ' અપનાવવામાં આવ્યું. તે પ્રમાણે જળાશય ધીમી ગતિએ ભરવા માટે જુદી જુદી તારીખો માટે જુદી જુદી સપાટીઓ નક્કી કરવામાં આવી. આ સપાટીઓ ધીમે ધીમે વધતી વધતી ૩૪૫ સુધી પહોંચે છે, જુલાઈ ઓગસ્ટ કરતા સપ્ટેમ્બરમાં વધારે પાણી ભરવાની છૂટ છે.
ધારો કે ૬ લાખ કયુસેકની રેલ આવે છે. તે જો જુલાઈમાં આવે તો જળાશયની સપાટી નીચી હોવાથી તેને સમાવી લઇ શકાશે. તે જ રેલ જો ઓગસ્ટમાં આવે તો તેને અંશત: જ સમાવી શકાય. તે જ રેલ જો સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં આવે તો, જળાશયની ઘણી ઉંચી સપાટીને લીધે, મોટી મુશ્કેલી ઉભી કરે. (સપ્ટેમ્બરમાં પણ મોટી રેલો આવી ચુકી છે.) આમ 'રુલ લેવલ' કંઈ રામબાણ ઉપાય નથી. જળાશય ધીમેધીમે ભરવાથી જ સલામતી આવતી નથી. રેલ આવી જ પડે ત્યારે શું કરીએ છીએ તે વધારે અગત્યનું છે. ૧૦૦ કિમી ની ઝડપવાળા રસ્તા પર ૭૫ કિમી ની ઝડપે ગાડી ચલાવવાથી જ સલામતી આવતી નથી. રસ્તા પર અવરોધ દેખાય કે તરત ધીમા પડવું કે શક્ય હોય તો તે અવરોધને ટાળીને બાજુમાંથી ધીમેથી નીકળી જવું જોઈએ.
૧૮૭૬ થી ૧૯૭૦ સુધીમાં ૧૯ મોટા પુર આવ્યા હતા. તેમાંથી ૧૩ સપ્ટેમ્બરમાં આવ્યા હતા. તે પૈકી ૨ તો સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં આવ્યા હતા. રુલ લેવલ અનુસાર આ સમયે જળાશય લગભગ છલોછલ ભરેલું હોય. આ સમયે પણ પુરને મેનેજ કરવાની આપણી તૈયારી હોવી જોઈએ. જો આપણે આને માટે તૈયાર હોઈએ તો પછી જળાશય જુલાઈ ઓગસ્ટ માં બને તેટલું જલ્દી કેમ ન ભરી શકીએ? મહત્ત્વ તારીખનું નહિ પણ આપણી તૈયારી, સાવધાની અને આવડતનું છે.
રેલના ભયથી આપણે જળસંગ્રહ ન કરીએ પણ જયારે રેલ આવી જ પડે ત્યારે જળસંગ્રહનો વિચાર કરીને અપૂરતું આગોતરું છોડાણ કરીએ તો બંને બાજુથી ગેરલાભ થાય.
ઉપર બે મુદ્દાઓ અંગે સરકારની લાપરવાહી અને નિષ્ક્રિયતા જવાબદાર હોય તો હવે આપણે સુરતીઓની બેદરકારી પણ જોઈ લઈએ. ડોક્ટર દવા આપે પણ દર્દી પોતે ખોરાક વગેરેમાં સાવધાની ન રાખે તેવી આ બાબત છે.
૧૯૬૮ ના પુર સમયે સુરત ખાતે તાપીની પ્રવાહક્ષમતા સાડા આઠ લાખ કયુસેકની હતી. ત્યાર બાદ આપણે સુરતીઓએ તાપીમાતા પર એટલો બધો જુલમ કર્યો છે કે તે હવે ઘટીને ચાર લાખ કયુસેકની પણ રહી હોય તો તે આપણું સદ્ભાગ્ય. તાજેતરમાં ઉકાઈથી ફક્ત બે લાખ કયુસેક પાણી છોડ્યું ત્યારના ફોટા ૧૯૬૮નુ દૃશ્ય તાજું કરે છે. ૧૯૭૨ થી ૧૯૯૮ સુધી મોટી રેલ ન આવવાથી આપણે ગફલતમાં રહી ગયા. ધારો કે ઉકાઈના અધિકારીઓ જાદુ કરે તો પણ આપણે બચી ન શકીએ તેવી પરિસ્થિતિ ઉભી કરીએ ને પછી તેમને દોષ આપીએ તે ક્યાંનો ન્યાય? સુરતીઓ, જાગો અને તાપીને ફરી પાછી તંદુરસ્ત બનાવી દ્યો. તે આપણા જ હિતમાં છે.
સૂચિત પ્રક્રિયા
હવે થોડો વિચાર પૂરનિયંત્રણ પ્રક્રિયા વિષે કરીએ.
દિવાળી આવવાની હોય તે પહેલા, વેચવા માટે નવો માલ આવવાનો હોય ત્યારે તેને માટે, દુકાનમાં જગ્યા કરવી પડે. જુનો માલ ઓછે નફે અથવા થોડી ખોટ ખાઈને પણ વેચી દેવો જોઈએ. આમ કરવા જતા જે જગ્યા તૈયાર કરી તે નવા માલ માટે જોઈએ તેના કરતા ઓછી અથવા વધારે પણ થઇ જાય. તેવી જ રીતે પુર, ખાસ કરીને મોટું પુર, આવવાનું હોય ત્યારે જુનું પાણી કાઢી નાંખવું જોઈએ. એવું પણ બને કે જોઈએ તે કરતા ઓછું અથવા વધારે પાણી છોડાઈ જાય. અહીં દ્વિધા એ છે કે પાણી ભરવું પણ છે અને જગ્યા કરવી પણ છે અને પાણીની આવક પર આપણો કશો જ અંકુશ નથી.
બે પરસ્પર વિરોધી જરૂરિયાતો વચ્ચે સંતુલન સાધવાનું છે. સિંચાઈ અને વીજ ઉત્પાદન માટે પાણી સંઘરવાની જરૂર છે. પૂરનિયંત્રણ માટે જળાશય ખાલી રાખવું જોઈએ. આ કામ એટલું સહેલું નથી. મોટા પુર વરસોવરસ આવતા નથી, ચાર પાંચ વર્ષે એક વાર આવે. નાના અને મધ્યમ પુરના પાણી જ સંગ્રહ માટે કામ લાગે. પણ મધ્યમ પુર જો મોટું પુર થઇ જાય તો શું? વળી આગોતરું છોડાણ (advance release) કેટલું કરવું જોઈએ? ઓછું છોડીએ તો પૂરનિયંત્રણ બરાબર ન થાય; વધારે છોડી દઈએ ને પુર ધાર્યા જેટલું મોટું ન નીવડે તો તે પણ ઠીક નહીં. તેથી 'ગણતરીપૂર્વકનું જોખમ (Calculated Risk) લેવું જોઈએ. તે કેવી રીતે કરી શકાય તે જોઈએ.
નદીનો પ્રવાહ માપવા માટે સમય પણ ધ્યાનમાં લેવો પડે જેમ કે ઘનફીટ પ્રતિ સેકંડ. જયારે જળાશય માપવા માટે કેવળ એમાં સમાયેલા પાણીનું કદ (જથ્થો) દા.ત. ઘનફીટ પુરતું છે. તેથી જળાશયમાંથી કેટલું પાણી છોડવું જોઈએ તેનું એકમ (unit) કદનું (જેવા કે ઘનફીટ અથવા ઘનમીટર) રાખવા જોઈએ. તારીખ અને સપાટી (લેવલ) નું મહત્ત્વ ગૌણ છે. ધારીએ કે કોઈ એક સમયે આવરો (inflow) ૧૦,૦૦૦ ઘનફીટ પ્રતિ સેકંડ છે. આપણે આવતા ૩ કલાક દરમ્યાન કેટલું પાણી આવશે તે નક્કી કરવું હોય તો તે ૧૦૦૦૦ x ૩ x ૩૬૦૦ = ૧0,૮0,૦૦,૦૦૦ ઘનફીટ થાય. ત્યારની પરિસ્થિતિ પ્રમાણે એમ લાગે કે આમાંથી ૫,૦૦,૦૦,૦૦૦ ઘનફીટ સંઘરવું જરૂરી છે તો વધારાનું ૫,૮0,૦૦,૦૦૦ ઘનફીટ છોડવું જોઈએ. તેથી જાવરો (outflow, release) ૫,૮0,૦૦,૦૦૦ ભાગ્યા ૧૦૮૦૦ સેકંડ = ૫,૩૭૦ ઘનફીટ પ્રતિ સેકંડ રાખવો જોઈએ. કોઈ કારણસર આટલું પાણી છોડવા માટે ૩ કલાક ને બદલે ઓછો અથવા વધારે સમય રાખવો હોય તો છેદની રકમ બદલી ને તે પ્રમાણે વધારે કે ઓછા દરે પાણી છોડી શકાય.
પાણી કેટલું છોડવું તે નક્કી કરવામાં સમતુલા જાળવવી જરૂરી છે. ઉપર જણાવ્યા પ્રમાણે સિંચાઈ અને વીજઉત્પાદન માટે બને તેટલું વધારે પાણી સંઘરવું જોઈએ પણ પુર ઘટાડવા માટે જળાશય ખાલી રાખવું જોઈએ. ખાસ મૂંઝવણ એ હોય છે કે પાણી છોડી દઈએ પછી પુરતી આવક ના થાય તો પાણી ગુમાવવા બદલ અફસોસ થાય. આનો ઉપાય છે.
ઓસરતા પુરમાંથી કેટલું પાણી મળી શકે તેની ગણતરી કરવાનું સુત્ર (formula) United States Army Corps of Engineers ના એક પ્રકાશનમાં આપવામાં આવ્યું છે. તેનો ઉપયોગ 'ગણતરી પૂર્વકનું જોખમ (Calculated Risk)' લેવા માટે કરી શકાય. તે નીચેના ઉદાહરણથી સમજવું સહેલું પડશે. આ ઉદાહરણ કાલ્પનિક છે, ઉકાઈ સાથે સરખામણી કરવા માટે નથી. પરંતુ આ પરિકલ્પના (concept) ઉકાઈ જેવા બધા જળાશયો માટે ઉપયોગી છે.
પ્રારંભિક જળસંગ્રહ = ૨,૦૦,૦૦૦ એકર ફીટ (૧ એકર ફૂટ = ૪૩,૫૬૦ ઘનફીટ)
પ્રારંભિક જળપ્રવાહ = ૧૦,૦૦૦ કયુસેક (પ્રતિ સેકન્ડે ઘનફીટ)
લક્ષ્યાંક = ૨,૫૦,૦૦૦ એકર ફીટ
ઘટ = ૫૦,૦૦૦ એકર ફીટ (૨,૫૦,૦૦૦ - ૨,૦૦,૦૦૦)
સુત્ર પ્રમાણે આવકનો અંદાજ = ૭૦,000 એકર ફીટ
જો અંદાજી આવક કરતા ઘટ વધારે હોય તો પાણી છોડવાની જરૂર ન રહે.)
વધારાની આવક = (૭૦,૦૦૦ - ૫૦,000) = ૨૦,000 એકર ફીટ જે છોડી શકાય
જાવરો (release rate) = ૨૦,000 x ૪૩,૫૬૦ / ૧૦,૮૦૦ = ૮૦,૬૬૭ કયુસેક ત્રણ કલાક સુધી
આ સમય ગાળા દરમ્યાન જો પૂરનો પ્રવાહ ઘટવા માંડે તો છોડાણ બંધ કરી દેવાય. અને તો પણ છોડ્યું તેટલું પાણી ઓસરતા પુરમાંથી મળી રહેશે જો કે તેને માટે સમય વધારે લાગશે.
ઉપર દર્શાવી તેવી ગણતરી દર ત્રણ અથવા ઓછા કલાકે કરતા રહી છોડાણ પ્રવાહમાં જરૂરી ફેરફાર કરવો જોઈએ. જો એમ લાગે કે પુર વધવાનું નથી તો પાણી છોડવાનું બંધ કરી શકાય. જો પુર વધવાની આગાહી હોય તો તેમાંથી કેટલું પાણી જળાશયમાં સમાવી શકાશે તે નક્કી કરીને બાકીનું પાણી જરૂર હોય તેટલું જ છોડવું જોઈએ.
પૂરનો પ્રવાહ તાપીની પ્રવાહક્ષમતા કરતા વધી જાય તો પાણી શહેરમાં ફેલાવાની શક્યતા ઉભી થાય. ત્યારે ગણતરી જુદી રીતે કરવી પડે. તે સમયનો જથ્થો ભયજનક સપાટીના જથ્થા કરતા ઓછો હશે. બે વચ્ચેના તફાવત જેટલું પાણી રોકી રાખી બાકીનું પાણી જવા દેવું પડે. ભયજનક સપાટી નીચી (૩૪૫) રાખીએ આ તફાવત નાનો હોય અને તેથી વધારે પાણી છોડવું પડે. ભયજનક સપાટી ઉંચી (૩૫૧) હોય તો તફાવત મોટો હોય અને પાણી ઓછું છોડવું પડે. પાણી છોડવાનું પ્રમાણ વારંવાર એવી રીતે adjust કરવું જોઈએ કે જેથી કુલ છોડેલું પાણી લગભગ તફાવત જેટલું હોય. આગોતરા છોડાણ વડે જળાશયની સપાટી ઘટાડીને ઉપલબ્ધ કરેલા અવકાશનો (space નો) પર્યાપ્ત ઉપયોગ કરવો જોઈએ.
એક ઉદાહરણ દ્વારા આ બાબત વધારે સ્પષ્ટ કરી શકાશે. બધા જથ્થાના એકમ લાખ ઘનફીટ છે. સરખામણીની સરળતા ખાતર બધા પ્રવાહ એક સેકન્ડે એક લાખ ઘનફીટ રાખ્યા છે. પ્રવાહ તેનાથી મોટો હોય તો સમય ઓછો લાગશે, નાનો હોય તો વધારે લાગશે.
ધારો કે રેલની શરૂઆત સમયે જળાશયની સપાટી ૩૪૨ છે. આ લેવલે જળાશયમાં ૨૫,૦૭,૬૯૫ લાખ ઘનફીટ પાણી ભરાયેલું હોય. ૩૪૫ ના લેવલે ૨૬,૪૭,૫૪૧ લાખ ઘનફીટ પાણી સમાવી શકાય. એટલે ( ૨૬,૪૭,૫૪૧ - ૨૫,૦૭,૬૯૫ =) ૧,૩૯,૮૪૬ લાખ ઘનફીટ પાણી સમાવી શકાય તેટલી જગ્યા ખાલી છે. એક સેકન્ડે એક લાખ ઘનફીટ ના પ્રવાહવાળી રેલ હોય તો આ જગ્યા ભરતા ૩૮.૮ કલાક થાય. જો રેલનો અંદાજ આનાથી ઓછો હોય તો કશું કરવાની જરૂર ન પડે. પણ જો તે વધારે હોય તો વધારાના પાણીને સમાવવા આગોતરું છોડાણ કરવું જોઈએ.
હવે ધારોકે આગોતરું છોડાણ શરુ કર્યું, સપાટી ઘટીને ૩૩૯ સુધી પહોંચી, પણ આવરો વધવાથી હવે વધુ નીચે લઇ જઈ શકાય તેમ નથી. આ લેવલે જળાશયમાં ૨૩,૭૧,૦૨૭ લાખ ઘનફીટ પાણી હોય. તેથી (૨૬,૪૭,૫૪૧ - ૨૩,૭૧,૦૨૭ =) ૨,૭૬,૫૧૪ લાખ ઘનફીટ પાણી સમાવી શકાય તેટલી જગ્યા થઇ છે. ઉપરોક્ત પ્રવાહ વડે આ જગ્યા ભરતા ૭૬.૮ કલાક થાય. પણ જો પુર વધારે મોટું (major) આવવાની આગાહી હોય તો ભયજનક સપાટી ૩૪૫નો ભ્રમ છોડીને ૩૫૧ સુધી પાણી ભરવું જોઈએ. તે લેવલે જથ્થો ૩૦,૨૩,૯૯૫ લાખ ઘનફીટ હોય. તેથી (૩૦,૨૩,૯૯૫ - ૨૩,૭૧,૦૨૭) = ૬,૫૨,૯૬૮ લાખ ઘનફીટ પાણી કામચલાઉ અટકાવી શકાય. જેનાથી ૧૮૧.૪ કલાકનો સમય મળે. અર્થાત (૧૮૧.૪ - ૭૬.૮ = ) ૧૦૪.૬ કલાક વધારે મળે. તેટલું ઓછું પાણી સુરત પર છોડવું પડે.
ધારો કે આપણી દુકાનમાં એક માળિયું (loft) પણ છે. દિવાળી પર વેચવા માટે જે માલ મંગાવેલો તેને માટે ધાર્યા કરતા વધારે જગ્યાની જરૂર હોય તો તે વધારાનો માલ થોડા દિવસો માટે માળીયામાં મૂકવાને બદલે બહાર ખુલ્લામાં મુકીએ ખરા? ન જ મૂકીએ. પણ ગુજરાત સરકાર તેમ કરે છે. ઉકાઈ જળાશયની ૩૪૫ અને ૩૫૧ ની સપાટીઓ વચ્ચે જે જગ્યા છે તેનો ઉપયોગ ઉપરોક્ત માળિયાની જેમ કરી શકાય પણ નથી કરતી. ઉપરોક્ત ઉદાહરણમાં ફેરફાર કરીને જુદીજુદી પરિસ્થિતિમાં, ભયજનક સપાટી ૩૫૧ને બદલે ૩૪૫ ગણવાથી, સુરત પર કેટલું વધારે પાણી છોડવું પડે છે તે ગણવું અઘરું નથી. અગત્યની વાત એ છે કે અપપ્રચારને (misinformation) લીધે આપણે ભયજનક સપાટી ૩૪૫ છે એવા ભ્રમમાં રહ્યા કરીએ છીએ અને સુરતને બિનજરૂરી નુકશાન થવા દઈએ છીએ તે બંધ કરવું અને કરાવવું જોઈએ.
કોઈ વાર એવું પણ બને કે આપણે તો માલ જુદા જુદા સમયે આવે તેવી રીતે મંગાવ્યો હોય પણ કોઈ સપ્લાયર મોડા પડે અને બીજા સપ્લાયર ધાર્યા કરતાં વહેલો માલ મોકલી આપે. પરિણામે આપણી દુકાનનું માળિયું પણ ભરાઈ જાય અને વધારાના માલ માટે વ્યવસ્થા કરાવી પડે કે પછી માલ બહાર પડ્યો પડ્યો બગડી જાય અથવા ચોરાઈ જાય. માળિયું જેટલું નાનું હોય તેટલું નુકશાન વધારે થાય. આવી પરિસ્થિતિ રેલ અંગે પણ થઇ શકે. ૩૪૫ અને ૩૫૧ વચ્ચે જે અવકાશ મળે છે તેના કરતા વધારે પાણી આવી પડે. આવા સંજોગોમાં ઉકાઈથી વધારે પાણી છોડવું તો પડે જ. પણ ૩૫૧ ને બદલે નીચી સપાટી સ્વીકારીએ છીએ તેથી તેટલો ઓછો અવકાશ મળે છે અને તેથી પાણી વધારે છોડવું પડે છે.
વધુ વિગત નીચેની લીન્ક પરથી મળી શકશે
floodmodulation (https://sites.google.com/site/tatoodi/floodmodulation)
આ લેખ દેખાય છે તેટલો અઘરો નથી. ફોર્મુલાઓ અને આકૃતિઓથી ડર્યા વિના વાંચશો તો સમજી શકશો. ફોર્મુલાઓને અવગણીને વાંચશો અને પરિકલ્પના (Concept) સમજી લેશો તો યે કામ લાગશે. ખાસ તો બે વાત સમજવાની છે, ભયજનક સપાટી નીચી રાખવાથી સુરતને વધારે નુકશાન થાય છે, અને તાપીની પ્રવાહક્ષમતા ઘટી જવાથી પણ ઘણું સહન કરવું પડે છે.
ભવિષ્યમાં મોટું પુર આવે ત્યારે ભયજનક સપાટી ૩૪૫ હોવાનો ભ્રમ ત્યાગીને ૩૫૧ સુધી પાણી ભરવાની સરકારને ફરજ પાડવાની સુરતીઓ માટે બહુ અગત્યની જરૂરિયાત છે. નહિ તો વારંવાર બિનજરૂરી નુકશાન વેઠ્યા કરવું પડશે.
સાર્વજનિક સગવડોનો ઉપયોગ કરવામાં જુદાજુદા હિતોને ધ્યાનમાં રાખવા પડે. જળાશયના સંચાલનમાં પણ તેવું જ છે. સુરત વિસ્તારની જનતાના હિતમાં ઉકાઈ જળાશયની ભયજનક સપાટી નાના મોટા બધા પૂરો સમયે 351 રાખવી જોઈએ. પરંતુ તે જળાશયની આસપાસ વસતી પ્રજાનું હિત તે સપાટી બધા જ પૂરો સમયે 345 રાખવામાં છે. આ બે પરસ્પર વિરોધી હિતો વચ્ચે સંતુલન સાધવું જરૂરી છે. તેમ કરવા માટે પૂરના માપ પ્રમાણે ભયજનક સપાટી વધારી શકાય. દાખલા તરીકે નીચે કોષ્ટકમાં જણાવ્યા પ્રમાણે રાખી શકાય.
પૂરનો મહત્તમ આવરો (લાખ ક્યુસેકમાં) મહત્તમ પુર સપાટી
9 થી ઓછો 345.00
9 થી 10 345.50
10 થી 11 346.00
11 થી 12 346.50
12 થી 13 347.00
13 થી 14 347.50
14 થી 15 348.00
15 થી 16 348.50
16 થી 17 349.00
17 થી 18 349.50
18 થી 19 350.00
19 થી 20 350.50
20 થી વધારે 351.00
આ અંગે વધુ અભ્યાસ કરીને યોગ્ય ફેરફાર કરી શકાય.
સુરતીઓ જાગશે?
ઉકાઈ જળાશયનું રુલલેવલ
તાપીની પ્રવાહક્ષમતા