આત્મપરિચય
મારી તો લખાણ
એ જ ઓળખાણ.
આનાથી લાંબી કવિતા લખતા મને નથી આવડતી.
મારું કુટુંબ સુરત જીલ્લાનું, મારો જન્મ પણ સુરત જીલ્લાના ગામડામાં ઇ.સ. 1938 માં થયો હતો. શિક્ષણ વડોદરા અને અમદાવાદમાં. પિતાજીની સરકારી નોકરીને લીધે બૃહતગુજરાતના લગભગ બધા શહેરોમાં ફર્યા તેથી બધા વિસ્તારોથી પરિચીત છું.
ભણ્યો સીવીલ ઈજનેરી. ગુજરાત સરકારની નોકરી કરી. તે દરમ્યાન ઘણા વરસો ગુણવત્તા નિયંત્રણ ઇજનેર (Quality Control Engineer) તરીકે કામગીરી બજાવી હતી. ત્યારે હું મારી જાતને 'ખણખોદિયો' કહેતો કારણકે તેમ કરવાની મારી ફરજ હતી. મારા ઠેકેદારો કહેતા કે "અમારું સારું કામ તો જોતા જ નથી, ભૂલો જ કેમ જુઓ છો?" હું કહેતો, "સારું કામ કરવા તમે બંધાયેલા છો જેના પૈસા જુદા ઈજનેર સાહેબ તમને આપે જ છે. મારી ફરજ તો ખોટું થતું હોય તો તે સુધારવાની છે." પરંતુ દરેક કામમાં ખોટું શું છે તે જોવાની ટેવ પડી ગઈ તે રહી ગઈ. ૨૨ વરસ પછી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી. અમેરિકા આવ્યો. ૨૦ વરસ અમેરિકાના એક મોટા શહેરની અર્ધસરકારી સંસ્થામાં નોકરી કરી. નિવૃત્ત થયો. હજુ અમેરિકામાં જ છું.
હું તો સાહિત્ય સંગીત કલા વિહીન એક સામાન્ય ઈજનેર હતો. નિવૃત્તિ બાદ હવે કેવળ દાદો (Full Time Grand-father) જ છું.
યુવાનીમાં અધ્યાત્મનો શોખ હતો. ઘણું વાંચ્યું. થોડું ન સમજાણું, બીજું ઘણું અસ્વીકાર્ય લાગ્યું. પણ તેથી હીનતાભાવ (ઇન્ફીરીઓરીટી કોમ્પ્લેક્ષ) અનુભવવાને બદલે મારી ઈશ્વરદત્ત સામાન્ય બુદ્ધિ વાપરી. મોક્ષ માટેનો મારો મોહ મટી ગયો. એટલે અધ્યાત્મ પણ અનાવશ્યક બની ગયું. વાંચવાને બદલે વિચારવા માંડ્યું. પરિણામ મારા આ લખાણો. લોકો વાંચવા ઉપરાંત વિચારતા પણ થાય એ હેતુથી પ્રગટ કરું છું.
ઈજનેરીના અભ્યાસ દરમ્યાન એક વિષય મોજણી (Land Surveying) પણ હતો. તેમાં અમને શીખવવામાં આવ્યું હતું કે જે કંઈ માપ લો તેની ચકાસણી કરો. ધારો કે જમીનના ઉંચાણ-નીચાણ (લેવલ Level) માપવા છે. એક સ્થળેથી બીજું સ્થળ કેટલું ઊંચું કે નીચું છે તે માપ્યું હોય તો તે બીજા સ્થળે જઈને અગાઉવાળું સ્થળ તેટલું જ નીચું કે ઊંચું છે તે માપી લો. બંને માપ સરખા ન હોય તો એકમાં કે બંનેમાં ભૂલ હોય તે સુધારવી જ પડે. કોઈ જમીન ચતુષ્કોણ હોય અને તેના ખૂણા માપ્યા હોય તો તે ચાર ખૂણાનો સરવાળો 360 અંશ થવો જ જોઈએ. આ વાત આપણા રોજીંદા વ્યવહારમાં પણ યાદ રાખવા જેવી છે. આપણા પોતાના વખાણ કે બીજાની ટીકા કરતા પહેલા સામેવાળાને બદલે આપણે પોતે હોઈએ તો આપણે જે કહેવા માંગીએ છીએ તેનો શું અર્થ કાઢએ કે પ્રતિભાવ આપીએ તે વિચારીને તે જરૂરી ફેરફાર કર્યા બાદ જ તે વાત કહેવી કે કરવી જોઈએ. તેવી જ રીતે કોઈ વાત લોકમાનસમાં રૂઢ થઇ ગઈ હોય તેથી જ તે સાચી કે સારી છે તેમ માનવું જ જોઈએ એવું મને લાગતું નથી. ધારો કે તે ખોટી કે ખરાબ હોય તો શું એવો વિચાર કરવો જોઈએ. તેવા વિચાર કરવાના જે નિષ્કર્ષ નીકળ્યા તે અહીં રજુ કરું છે.
આપણે આપણા ધર્મ અને સંસ્કૃતિ અંગે બણગા ફૂંકતા પહેલા વિચારવું જોઈએ કે આપણે પરધર્મી હોઈએ તો શું સમજીએ. જેમ કે ગણેશજીને હાથીનું માથું કેવી રીતે મળ્યું તેની દંતકથા કહીને કેટલાક લોકો ફાંકો બતાવતા હોય છે કે પૃથ્વી પરનું પહેલું અંગરોપણ (ટ્રાન્સપ્લાન્ટેશન) ભારતમાં થયું હતું. હિન્દુઓ શિવજીને ભલે ભગવાન માનતા હોય, બીજાઓને તો તેઓ ઉતાવળા અવિચારી બાળહત્યારા લાગે પણ ખરા.(ganesh) રામ આપણને મહાન અવતાર જણાતા હોય પરંતુ તેમના કેટલાક પગલા અનુચિત લાગી પણ શકે.(આપણું કલંક) પુરાણોની કેટલીક વાર્તાઓ એવી છે કે એક પાત્રના વખાણ કરવા જતા બીજાનું ભૂંડું દેખાય છે. આવી વિસંગતાઓ પર હિંદુ સમાજનું ધ્યાન દોરવાનો અહીં પ્રયાસ કરવો છે.
હજારો વરસોના અપપ્રચારની વિરુદ્ધ બોલવા કે લખવાની ધૃષ્ટતા આ લખાણોમાં કરી છે. તે ભાગ્યે જ કોઈ વાંચવા પણ તૈયાર હોઈ શકે તેવી સભાનતાને લીધે મારું ઉપનામ 'તતુડી' રાખ્યું છે જેણે નગારખાનામાં વાગવાનું હોય. વાગવાની મારી ફરજ છે, સાંભળવાની તમારી નથી. સાંભળો તો તમારો આભાર.
પ્રચારના ઢોલ પીટીપીટીને જેમને 'મહાપુરુષો' કે 'ભગવાન' તરીકે આપણા સામુહિક માનસ પર ઠોકી બેસાડવામાં આવ્યા છે તેમના કૃત્યોની વિસંગતતા ઉઘાડી પાડું છું. તે પાત્રોના બચાવમાં મને ઘણી વાર કહેવામાં આવ્યું છે કે તેઓ તેમના કૃત્યોના ખુલાસા કરવા હયાત નથી તેથી તેમની ટીકા ન કરી શકાય. આ એક લૂલો બચાવ નથી લાગતો? ઠીક છે. તો પછી વરસે વરસે દશેરાના દિવસે રાવણ, કુંભકર્ણ અને ઇન્દ્રજીતના પુતળા બાળવાનું ફારસ આપણે શા માટે કર્યા કરીએ છીએ? રાવણ, કંસ વગેરે 'દુષ્ટો'ને તેમના કૃત્યોના ખુલાસા કરવાની તક કોણે અને ક્યારે આપી હતી? તે તો છોડો, સીતાજી, શંબુક ઇત્યાદિ પાત્રોને દંડ આપતા પહેલા ક્યાં કશું પૂછવામાં આવ્યું હતું? શું એ બનવા જોગ નથી કે આર્યો વિરુદ્ધ રાક્ષસોનો સંઘર્ષ તો કેવળ આર્યોની વનવિનાશક પ્રવૃત્તિના વિરોધને લીધે હતો?
મારી પત્નીને કાર ચલાવતા શીખવતો હતો. ગાડી કયા ગીઅરમાં ચલાવવી તે અંગે તે ગૂંચવાતી હતી. મેં કહ્યું, " જો તારું નામ D થી શરુ થાય છે, તું કાયમ સીધી બુદ્ધિ ચલાવે છે તેથી ગાડી સીધી ચલાવવી હોય તો D ગીઅર વાપરવું. મારી બુદ્ધિ ઊંધી ચાલે છે, મારું નામ R થી ચાલુ થાય છે તેથી ગાડી ઊંધી ચલાવવી હોય તો R માં ચલાવવી." વાત તેના મનમાં બરાબર ઉતરી ગઈ. મારા ઘણા મિત્રો મને "ઊંધી ખોપરી" કહે છે તે અકારણ નથી.
મારો મનોરોગ છે 'અંજાઈ ના'. હું કોઈથી કે કશાથી પણ અંજાઈ જતો નથી. તેથી તો શ્રીકૃષ્ણના ઉપદેશ સાથે પણ અસંમત થાઉં છું. આ રોગનો ચેપ બધાને લાગે તેવી મારી આશા છે.
આપણા ધર્મ અને સંસ્કૃતિના વખાણ કરવાવાળા તો સેંકડો નહીં બલકે હજારો ગુરુઓ, લેખકો, ધર્મપ્રચારકો વગેરે છે જેઓ એકની એક વાત જુદા જુદા શબ્દોમાં રજુ કરે છે. જુદું કશું કહેવાનું ના હોય તો લખવું જ શા માટે? ઘણા મિત્રોએ મને કહ્યું છે કે હું બહુ નકારાત્મક વિચારો રાખું છું. પરંતુ બધી જ સકારાત્મકતા (કે વિધાયક અભિગમ) સાચા કે સારા નથી હોતા. કેટલાક આભાસી તો બીજા કેટલાક તો દંભી પણ હોય છે. મને તો જે સાચું લાગે છે તે એવું જ જણાવું છું, સ્વીકારવું કે નકારવું તે તો વાંચકનો સ્વાધિકાર છે.
એક પુસ્તક વાંચવામાં આવ્યું હતું. તેના લેખક ઘણું ભણેલા હતા. તેઓનો અભિગમ એવો હતો કે વિજ્ઞાનનો એકાદ નિયમ ખોટો ઠરાવવો અને તેના આધારે દલીલ કરવી કે વિજ્ઞાન ખોટું છે તેથી તેમના ઇષ્ટદેવ જ સાચા છે. છગનભાઈ ખોટા હોય તો મગનભાઈ આપોઆપ સાચા ઠરે તેવી તેમની દલીલો હતી. પણ બનવા જોગ છે કે બંને ખોટા હોય અને ત્રીજા જ કોઈ રમણભાઈ સાચા હોય. આપણા ઘણા ધર્મપ્રચારકો આવી રીતે લોકોને ભરમાવતા હોય છે. એવા પણ ગુરૂઓ છે કે જેઓ તેમના અનુયાયીઓને ત્રણ જ જન્મમાં મોક્ષ અપાવવાની ગેરંટી આપે છે. જો મોક્ષ ના મળે તો કોણ કેવી રીતે તે ગુરૂને પુછવા જવાનું હતું?
નવજાત બાળકીને રઝળતી છોડનાર માનવતાવિહીન, હરિશ્ચન્દ્રને પારાવાર પજવનાર ત્રાસવાદી, વસિષ્ઠના સો પુત્રોને (કે શિષ્યોને) મારનાર હત્યારા અને તેમને ડૂબાડી દેવાનો પ્રયાસ કરનાર કાવત્રાખોર વિશ્વામિત્રને જો 'બ્રહ્મર્ષિ' કહી શકાતા હોય તો તે 'બ્રહ્મ'નો ભ્રમ મને મંજુર નથી. ભૂલ સુધારવા જતી માતાને યુક્તિપૂર્વક રોકીને નાનાભાઈની પત્નીમાં ભાગ પડાવનાર અને ભાઈઓ તથા તેમની સહિયારી પત્નીને જુગારના દાવ પર મૂકનારને જો સ્વર્ગમાં સદેહે પ્રવેશ મળતો હોય તો તેવા સ્વર્ગમાં મારે નથી જવું અને જો તે વ્યક્તિ 'ધર્મરાજ' ગણાતી હોય તો તેવો ધર્મ પણ મને નથી ખપતો. આથી હું કોઈ દુર્જન બની જતો નથી. ચારિત્ર્ય અને નૈતિકતાના બધા નિયમોનું પાલન મેં સર્વદા અને સર્વથા કર્યું છે. जानामि धर्मं न च मे प्रवृत्ति: जानाम्यधर्मं न च मे निवृत्ति: ને બદલે जानामि धर्मं न च मे निवृत्ति: जानाम्यधर्मं न च मे प्रवृत्ति: એમ કહી શકું તેમ છે.
મને ઘણા મિત્રો સંબંધીઓ નાસ્તિક ગણે છે. આ અંગે શ્રી ભુપેન્દ્રસિંહ રાઓલના કુરુક્ષેત્ર બ્લોગ (raolji.com) પર "હું આસ્તિક છું કે નાસ્તિક? લ્યો તમે જ નક્કી કરો…" નામનો લેખ છે તે જોવા વિનંતી. તે લેખ બહુ સ્પષ્ટપણે તેમના વિચારો જણાવે છે જેની સાથે હું મોટે ભાગે સહમત છું.
પ્રિય વાંચકો, મારા વિચારો સાથે આપ સંપૂર્ણપણે અસંમત થતા હો તો તે પણ મને સ્વીકાર્ય છે. ફક્ત એટલીજ વિનંતી કરું છું કે જે કંઈ અપનાવો તે તમે પોતે વિચારીને સ્વીકારો, નહિ કે બીજાના કહેવાથી પછી ભલે તે અન્ય વ્યક્તિ ગમે તેટલી મહાન ગણાતી હોય. 'અલ્પાત્માને માપવા માટે સત્યનો ગજ કદી ટૂંકો ના થશો.' આ વાત 'મહાત્માઓ'ને પણ લાગુ પાડવી જોઈએ.