કાર્ય-કારણના નિયમો

Home

કાર્ય-કારણના નિયમો

રેશનાલીસ્ટ મહાનુભાવો લખ્યા કરતા હોય છે કે આપણે આપણા બધા નિર્ણયો કાર્ય-કારણના નિયમો સમજીને વૈજ્ઞાનિક રીતે વિચાર કરીને કરવા જોઈએ. એમ પણ કહે છે કે કાર્ય–કારણ ન્યાયને અતીક્રમવાની આશા તે શ્રદ્ધા, જ્યારે પ્રસ્તુત ન્યાય પર આધાર રાખવો તે વીશ્વાસ. આ લખનાર તે સાથે સંમત નથી.

નિયમો કાર્ય-કારણના નહીં; પણ કારણ-કાર્ય-પરિણામના હોય. કશું પણ થાય તો પહેલા તો તે કરનારે તે કાર્ય શા માટે કર્યું તે કારણ આવે. પછી કાર્ય થાય. પછી પરિણામ આવે. આખી સાંકળ હોય. કારણ-કાર્ય-પરિણામ-કારણ-કાર્ય-પરિણામ-કારણ-કાર્ય-પરિણામ એમ ચાલ્યા જ કરે. એક પરિણામ બીજું કારણ પેદા કરે. અહીં 'કાર્ય' એટલે વ્યક્તિએ કરેલી ક્રિયાઓ ઉપરાંત કુદરતી બનાવો પણ સામેલ થાય છે. અને તેમના સંબંધ અફર હોય તે પણ ખરું.

સફરજન પડવાથી ન્યુટનને વિચાર તો આવ્યો, પણ તે પડ્યું જ કેમ? ગુરુત્વાકર્ષણ એ સાચો ઉત્તર નથી. તે તો કાયમી બળ છે. ઝાડનું એક હંગામી બળ હતું જે ગુરુત્વાકર્ષણ કરતાં મોટું હોવાથી સફરજનને લટકાવી રાખતું હતું. જયારે સફરજનનું દળ વધી જવાથી ગુરુત્વાકર્ષણનું બળ વધી ગયું ત્યારે, પણ સફરજન હવા કરતાં હલકું નહોતું તેથી, તે નીચે પડ્યું. નહીં તો ગરમ હવા ભરેલા બલુનની જેમ ઉંચે ઉડી ગયું હોત. પણ ઝાડનું હંગામી બળ ઘટી કેમ ગયું? એક જ સફરજન પુરતું જ કેમ, બધા સફરજન માટે કેમ નહીં? વળી, તે ન્યુટનને જોયું જ કેમ? તે ત્યાં હતો એટલે? તે ત્યાં કેમ હતો? ઝાડની બીજી બાજુ પર કેમ નહોતો? અને તે બીજા કશા કામમાં ધ્યાનમગ્ન કેમ નહોતો? આ બધા પ્રશ્નોનો ઉત્તર છે કે એવી કોઈ હસ્તી છે જેની ઈચ્છા હતી કે ન્યુટન ગુરુત્વાકર્ષણનું માપ ગણી કાઢે, તે તેણે કરાવ્યું.

પ્રશ્ન એ ઉભો થાય છે કે બધા નિયમો આપણે જાણીએ છીએ ખરા? શક્યતા ઓછી છે. બધા કામ કરવા માટે તેને લગતા બધા નિયમો જાણવા જ પડે એવું નથી. જેટલા પણ નિયમો જાણીએ છીએ તેમનો ઉપયોગ પણ પ્રત્યેક પળે કરી શકાય? તે પણ શક્ય નથી હોતું. રેશનાલીઝમ અનુસાર વૈજ્ઞાનિક રીતે ઉચિત વિચાર કરીને નિર્ણય લેવા માટે કરવા ધારેલી ક્રિયાને અસર કરે તેવા બધા પરિબળોને શોધી કાઢી, તેમના માપ નક્કી કરી તેમની અસર ક્યારે કેટલી થશે તે જાણવું જોઈએ. દાખલા તરીકે વાહન ચલાવતાં વળાંક લેવાનું થાય ત્યારે તે વળાંકની ત્રિજ્યા, જે વાહન ચલાવતા હોઈએ તેની આગલી-પાછલી ધરીઓ વચ્ચેનું અંતર, સ્ટીયરીંગ વ્હીલ કેટલું વળાવીએ તો આગળની ધરી કેટલી વળે તે પ્રમાણ અને આ બધાને સાંકળતું ગણિત જાણવા જોઈએ. વહેવારમાં આ બધી માથાકૂટ કર્યા વિના તાલીમ અને મહાવરાને લીધે ગાડી સફળતાપૂર્વક ચલાવ્યે રાખીએ છીએ.

જે મહાનુભાવો હમેશા વૈજ્ઞાનિક રીતે વિચાર કરીને બધા નિર્ણયો લેવાની ભલામણ કરે છે તે બધા આ મુળભુત મુદ્દો ભૂલી જાય છે.

કેટલાક નિયમો નીશ્ચીત્તાત્મક (deterministic જડબેસલાક) હોય છે. જેમ કે ગ્રહોની ગતિ. તે એટલા સુનીશ્ચીત્ત હોય છે કે વર્ષો પછી થનારા ગ્રહણના દિવસ, સમય અને પૃથ્વી પર કયા પ્રદેશોમાં જોઈ શકાશે તે ચોકસાઈ સાથે ભાખી શકાય છે. જયારે બીજા ઘણા નિયમો સંભાવિ (સંભાવનાત્મક, probabilistic) હોય છે. દાખલા તરીકે હવામાનને અસર કરતા પરીબળોના નિયમો અચલ તો હોય છે પણ તે પરીબળોના માપ જેવા કે પવનની દિશા કે ઝડપ વગેરે બદલાયા કરતા હોવાથી વરસાદને બદલે બરફ પડે કે ઉઘાડ નીકળે એવું પણ બને છે. તેથી તેની આગાહી શક્યતા અને મર્યાદાઓ જ જણાવે છે. જેમ કે "20 થી 25 mm વરસાદ પડવાની શક્યતા છે". લાંબા સમયની આગાહી કરી શકાતી નથી. ઘણા પરીબળો પરસ્પર અસર કરતા હોવાથી આમ બને છે.

હવાઈ પ્રવાસ માટેની ટીકીટ ખરીદનારા પ્રવાસીઓમાંથી કેટલા તેમની ફ્લાઈટ ચુકી જાય તે પ્રમાણ જડબેસલાક નથી હોતું. એનું કારણ એવા જાણ્યા અજાણ્યા પરિબળો છે જેમની ક્યારે કેટલી અસર થશે તે ચોકસાઈથી ગણી શકાતું નથી. દરેક પરિબળનો ચોક્કસ નિયમ તો હોય પણ તેમની દરેકની અલગ અલગ અસર કેટલી થાય તે જાણી ન શકાય. તે બધાની સંયુક્ત અસર ઓછી વધતી થતી હોવાથી પરિણામ જુદા જુદા આવે છે.

ધારો કે હજારમાંથી એક પ્રવાસી તેમનો પ્રવાસ કરતા નથી. બીજી બાજુ કેટલી ફ્લાઈટ તૂટી પડે છે તે પણ સંભાવનાવશ હોય. ધારો કે દસ લાખમાંથી એક વિમાન તૂટી પડે છે. કોઈ એક પ્રવાસી જે ફ્લાઈટ ચુકી ગયો હોય તે જ ફ્લાઈટ તૂટી પડે તેવી સંભાવના એક અબજે એક થાય. આ ખુબ ઓછી સંભાવના છે.

ઘણા બધા પરિબળોની સામુહિક અસર થવાથી ઉપરોક્ત પ્રવાસીનો જીવ બચી જાય તે આમ તો આકસ્મિક ગણાય છતાં તેનો યશ તે ઈશ્વરને આપે પણ ખરો. તે સામે રેશનાલીસ્ટ વિચારકને વાંધો ના હોવો જોઈએ. વાંધો તો ત્યારે આવે જયારે કોઈ ગુરુ આવા બનાવનો લાભ તેમના સ્વાર્થ માટે ઉઠાવે. કેલીફોર્નીયામાં વસતા એક યોગપ્રચારક ગુરૂએ એવો દાવો કર્યો હતો કે ત્યાં થયેલો મધ્યમ કદનો ધરતીકંપ તેમના પોતાના ધ્યાનના પ્રભાવથી થયો હતો. તેનાથી થયેલા નુકશાનનું વળતર તેમણે ભરવાનું થયું હોત તો તેમણે તે દાવો પાછો ખેંચ્યો હોત કે નહિ?

વ્યક્તિગત સ્તરે આવી આત્યંતિક ઘટનાઓ થાય કે ના થાય તેવી ઈચ્છા આપણે બધા કરીએ છીએ. હાનીકારક બનાવ ના બને પણ હિતકારી બનાવ અવશ્ય બને તેવી આશા રાખવી તે માનવસહજ વૃત્તિ છે. વાહનદુર્ઘટનામાં જીવ બચી જાય તેવી ટાળવા યોગ્ય અને લોટરી લાગી જાય તેવી લાભદાયક આત્યંતિક ઘટનાઓ ઘટે તે માટે આપણે પોતે કશું ના કરી શકીએ તો શું કરવું? ઈશ્વરને પ્રાર્થના. ઈશ્વર કોઈ વ્યક્તિ નથી. જે જે પરિબળોને લીધે આત્યંતિક બનાવો બને છે તેમનું સામુહિક નામ 'ઈશ્વર'. તેથી હું તો 'અસંભાવના' દેવીનો ભક્ત છું કે જેથી મારા જીવનમાં ટાળવા જેવા બનાવો, ભલે અત્યંત ઓછી સંભાવના હોય તો પણ, ના બને પરંતુ અસંભવ જણાતા હિતકારી બનાવો બનતા રહે.

સારું છે કે આપણા પ્રયત્નોના વધતા-ઓછા ફળ કોઈ અજાણી, અજ્ઞેય અને આપમેળે ચાલતી વ્યવસ્થા પ્રમાણે મોડા-વહેલા મળ્યા કરતા હોય છે.

ઈશ્વર એક કલ્પના જ છે. છતાં તેનો સદુપયોગ શા માટે ના કરવો? કેટલાક ગુરુઓ, પાદરીઓ,મૌલવીઓ વગેરે ધર્માત્માઓ તે કલ્પનાનો દુરુપયોગ કરે છે. તેનો પ્રતિકાર સદુપયોગ વડે વધારે સારી રીતે થઇ શકે ને? આમ જોવા જઈએ તો વિજ્ઞાનમાં પણ રીલેટીવીટી, સ્પેશીયલ રીલેટીવીટી, ઈવોલ્યુશન વગેરે બધી થીયરીઓ અર્થાત કલ્પના જ છે. હવે તો વૈજ્ઞાનિકો black matter અને black energy ની વાતો કરે છે તેટલું જ નહીં પણ તેને ચકાસવા માટે અબજો ડોલરના પ્રયોગો પણ સરકારી ખર્ચે કરાવે છે. તો થોડા લાખ ડોલર વાપરીને મંદિર, મસ્જીદ કે ચર્ચ બંધાવવામાં શાનો વાંધો?

ધરતીકંપના કાટમાળમાંથી વડીલોના મૃતદેહો વચ્ચે જીવતું બાળક મળી આવે તેને કોઈ ઈશ્વરની કૃપા કહે તો તેમાં નુકશાન પણ શું છે? ઈશ્વરની એલર્જી શા માટે?

લોજીક વાપરવું તો જોઈએ. પણ કયું લોજીક? તે પણ જાત જાતના હોય છે ને? કોલેજોમાં ભણાવે છે તે ડીડક્ટીવ અને ઇન્ડક્ટીવ લોજીક ઉપરાંત વ્યવહારમાં અનુભવાતા લેડીઝ લોજીક, ટીનેજર્સ લોજીક, રીલીજીયસ લોજીક, સરકારી લોજીક! બધું છોડીને એવું પ્રોડક્ટીવ લોજીક વાપરવું જોઈએ કે જેનાથી બધાને નહિ તો ઘણાને લાભ થાય.

વિચારવા જેવી વાત છે કે કુદરતના બધા વ્યવસ્થા તંત્રો (systems) નીશ્ચીત્તાત્મક હોત તો માનવજીવન કેટલું એકધારું, નીરસ અને કંટાળાયુક્ત થઇ ગયું હોત? કશું પણ કરીએ તેના પહેલેથી જ આપણને ખબર હોય કે પરિણામ શું અને કેટલું આવવાનું છે તો અમુક કામો તો આપણે કરીએ જ નહિ ને? અને ઈશ્વરની કલ્પના પણ ના કરવી પડી હોત. બધા માનવો યંત્રો બની ના ગયા હોત? જેણે પણ સંભાવિ વ્યવસ્થાઓ બનાવી છે તેને ગમે તે નામથી બોલાવીએ પણ તેનો ઉપકાર માનવો ઘટે.

Home