પૂજાના સ્વરૂપો

Home

પૂજાના સ્વરૂપો

(Forms of Worship નો ગુજરાતી અનુવાદ)

એક બહુ જાણીતા સંસ્કૃત શ્લોક અનુસાર માનસિક પૂજા શ્રેષ્ઠ છે અને મૂર્તિપૂજા સૌથી નીચા પ્રકારની પૂજા છે. વાસ્તવમાં માનવસ્વભાવ જ એવો છે કે માણસ માત્ર મૂર્તિપૂજક છે, પછી ભલે તે ગમે તે ધર્મમાં માનતો હોય. કેટલાક લોકો જાણીને સ્વીકારીને સમજણપૂર્વક મૂર્તિપૂજા કરે છે. બીજા કેટલાક જાણીને સ્વીકારીને પણ સમજ્યા વિના કરે. બીજા ઘણા મૂર્તિપૂજાનો અસ્વીકાર કરવા કે તેની ટીકા કરવા છતાં અજાણતા પણ મૂર્તિપૂજા તો કરતા જ હોય છે.

મૂર્તિપૂજા મંદિરમાં જ થઇ શકે તેમ નથી. કોઈ પણ પ્રકારનું ચિહ્ન પહેરીએ તો તે પણ આડકતરી રીતે મૂર્તિપૂજા જ છે. ધાર્મિક મહાપુરુષોના નશ્વર દેહોની જન્મજયંતી ઉજવવી તે પણ મૂર્તિપૂજાનું છૂપું સ્વરૂપછે. અબ્રાહમે ઈશ્વરના સ્મારકો (monuments) સ્થાપ્યા તે પણ મૂર્તિપૂજા જ હતી. તાલીબાનોએ અફઘાનીસ્તાનમાં બામિયાન બુદ્ધને તોડી પાડ્યા તે પણ ભલે નકારાત્મક (negative) છતાં હતી તો મૂર્તિપૂજા જ કારણ કે તેમને મૂર્તિનો ડર લાગતો હોવાની આડકતરી છૂપી કબુલાત હતી. મૂર્તિઓનો ધિક્કાર પણ મૂર્તિપુજાનું સ્વરૂપ જ છે.

શિકાગો પાસે એક પુલના થાંભલા પર કોઈને માતા મેરીની છબી દેખાઈ. તેને જોવા અને પૂજવા હજારો ઈસાઈઓ ભેગા થતા હતા. કરોડો લોકો મક્કા, જેરુસલામ વગેરે સ્થળોની જાત્રા કરતા હોય છે. હજારો લોકો સેન્ટ ફ્રાન્સીસ ઝેવિયર્સના મૃતદેહના દર્શન કરવા ગોવા જાય છે જે ખરેખર તો શબ પૂજા છે. કાશ્મીરમાં હઝરત બાલના દીદાર કરાય છે. આ બધી પણ આડકતરી મૂર્તિપૂજા જ છે. તેમાં ખાસ કશું ખોટું નથી. ખોટું હોય તો મૂર્તિપૂજા પ્રત્યેનો ધિક્કાર છે.

આપણી પ્રિય અથવા સન્માનનીય વ્યક્તિના ફોટા સાથે કોઈ અપમાનજનક ચેષ્ટા કરે તો આપણને ગુસ્સો આવે. પણ જરા વિચાર કરીએ તો આખરે તો તે એક કાગળનો ટુકડો જ છે. તે પાણી, આગ કેઉધઈ વડે નાશ પામે તો આપણે ગુસ્સે ન થઈએ તો હવે શા માટે થવું જોઈએ? તેવી જ રીતે ધર્મ પુસ્તકો પણ કાગળના ટુકડાઓના નાશવંત સમૂહો જ હોય છે. તેમનો નાશ ઘસારો, પાણી, આગ કે ઉધઈ કરે અથવા કોઈ નાસમઝ વ્યક્તિ કરે, હોબાળો શીદ કરવો? છતાં લોકો કરે છે તે પણ પુસ્તક રૂપી મૂર્તિની પૂજા જ છે.

આનો અર્થ એવો નથી ઉપર લખ્યા તેવા દુષ્કૃત્યો વ્યાજબી છે. તે તો નથી જ. આ લખનારનો હેતુ મૂર્તિપૂજાના વિરોધીઓને સમજાવવાનો છે કે જેવી ભાવનાને લીધે લોકો ધર્મપુસ્તકોમાં શ્રદ્ધા રાખે છે તેવી જ ભાવના મૂર્તિપૂજા કરનારાઓની હોય છે. ધર્મપુસ્તકોના અપમાન કરનારાઓના મનમાં જે ભાવ હોય છે તેની સામે વિરોધ હોય છે. જો કે આવો ભાવ પ્રગટ ના થાય તો તેનો કશો ઉપાય નથી હોતો. આવા ભાવો જો વાંધાજનક હોય તો મૂર્તિપૂજા વિરુધ્ધના ભાવો પણ વાંધાજનક ગણાવા જોઈએ. જેમ ધર્મપુસ્તકોના અપમાનને વ્યાજબી ન ઠરાવી શકાય તેમ મૂર્તિઓના નાશને પણ બિરદાવી ના શકાય. આ વાત તેઓ સમજે તો મૂર્તિપૂજા સામેનો તિરસ્કાર ઘટાડી શકાય.

બાઈબલ કહે છે " "And god said, Let us make man in our image, after our likeness and ...... " (Genesis 1:26)

અને

"The Lord is a man of war: .... " (Exodus 15:3). આમ બાઈબલ પણ સ્વીકારે છે કે ઈશ્વર મનુષ્યો જેવો દેખાય છે. તો હિંદુઓ તેમની માનવ રૂપની મૂર્તિઓ બનાવી તેમની પૂજા કરે તેમાં ખોટું શું છે? મોજ્હીસના સમયમાં ઈજીપ્ત અને મધ્યપૂર્વમાં બિલાડી વગેરે પશુઓના પુતળાઓની પૂજા થતી હતી તે બંધ કરવા માટે કદાચ આદેશ આપવામાં આવ્યો હશે.

મૂર્તિપૂજા એટલા માટે જરૂરી બને છે કે આપણા નિર્બળ માનવમનને શ્રદ્ધાના આધાર માટે કોઈને કોઈ ચિહ્ન જોઈતું હોય છે. તે શ્રદ્ધા પરમેશ્વરમાં, તેમના બની બેઠેલા કોઈ સ્વનિયુક્ત પ્રતિનીધિમાં અથવા તેમના કહેવાતા શબ્દોના પુસ્તક જેવા કે વેદ, ગીતા, બાઈબલ, કુરાન વગેરેમાં હોઈ શકે છે. મૂર્તિપૂજાનો પ્રકાર નીચલી કક્ષાનો હોવા છતાં તે અસ્વીકાર્ય ન હોઈ શકે. મૂર્તિની પૂજાનો એક લાભ તો છે જ કે તે પુજકને તેના હૃદય અને બુદ્ધિનો ઉપયોગ કરતા રોકતી નથી. પરંતુ ધર્મપુસ્તકો તેમ કરે છે. તેથી મૂર્તિપૂજા કરતા પણ નીચલી કક્ષામાં પુસ્તક પૂજાને મુકવી જોઈએ. કોઈ પણ પુસ્તકને "ઈશ્વરનો શબ્દ" માનીને તેમાં લખેલી બધી વાતોને સાચી માનીને તેનું આંધળુ પાલન કે અનુકરણ કરવું તે યોગ્ય નથી. પુસ્તક્પુજાનો ગેરફાયદો એ છે કે તેના લેખકના વિચારો પરમેશ્વર અને તેમના ભક્તની આડે આવે છે. જેમ કે ભારત જેવા ગરમ દેશમાં જે કપડા અનુકુળ આવતા હોય તે કપડા જ કેનેડા જેવા ઠંડા પ્રદેશમાં પણ પહેરવા જોઈએ નહીં તો આપણી સંસ્કૃતિનો ધ્વંશ થાય તેવો આગ્રહ રાખનારાઓ ધર્મ કે સંસ્કૃતિને કશો લાભ નથી કરતા પણ અનુયાયીઓનું અહિત કરે છે.

પોતાનું મંતવ્ય પુરવાર કરવા માટે કેટલાક લોકો તેમના ધર્મપુસ્તકમાંથી અવતરણો ટાંકતા હોય છે. કયા સમયે કયા સંજોગોમાં તે વાત તે પુસ્તકમાં લખી હતી તે જાણ્યા વગર તેને વળગી રહેવામાં ડહાપણ નથી તે તેમને કોણ સમજાવે? આવા પુસ્તકો કંઈ ઈશ્વરે બોલેલા કે લખેલા નથી હોતા. તેમના લખનારાઓ એવા ભ્રમમાં રાચતા હતા કે સમગ્ર માનવજાત માટે કાયમ માટે નિયમો બનાવવાની સત્તા ઈશ્વરે તેમને આપી હતી. આમ કરીને તેમણે તેમના અનુયાયીઓને અને માનવજાતને ઘણી હાનિ પહોંચાડી છે.

વાંચનથી વાચકની વિચારશક્તિ વધવી જોઈએ, કુંઠિત ન થવી જોઈએ, સ્વતંત્ર રીતે વિચારવાને પ્રેરણા અને પ્રોત્સાહન મળવા જોઈએ. તે કામ ધર્મપુસ્તકો નથી કરતા. ઉલટાનું તેમાં વિઘ્ન નાખે છે. ઈશ્વર માનવજાતને જે કંઈ કહેવા માંગતો હતો તે બધું તેણે આપણા કોઈ "અત્યંત મહાન" પૂર્વજને (કે પૂર્વજોને) કહી દીધું અને શાંતિથી ઊંઘી ગયો. આપણે તો બસ તે પૂર્વજનું લખાણ વાંચીને તે અનુસાર જીવ્યા કરવાનું એવી માન્યતાને લીધે આપણો વિકાસ રૂંધાય છે. એ તો સારું છે કે અપવાદરૂપ વિરલાઓએ ધર્મપુસ્તકોની અવગણના કરીને આટલો પણ વિકાસ સાધ્યો છે.

મૂર્તિપૂજામાં પણ ખામીઓ હોય છે. જેઓ સાધનાના એક તબક્કા તરીકે મૂર્તિપૂજા કરતા હોય છે તેઓ તો સમય આવે તેને છોડી દેતા હોય છે. પરંતુ એવું પણ કહેનારા છે કે મૂર્તિપૂજા એ ભારતે વિશ્વને આપેલી શ્રેષ્ઠ ભેટ છે જે થોડી વધારે પડતી વાત છે. આવા સમર્થકો દાવો કરે છે કે તેનાથી એકાગ્રતા કેળવવામાં મદદ થાય છે. આ શક્ય નથી. પૂજાની વિધિ જ એવી હોય છે કે એકાગ્રતા તૂટ્યા વગર રહે નહીં તો પરમેશ્વર સાથે તાદાત્મ્ય કેમ કરીને થાય? કેટલાક ભક્તો તો વારાફરતી જુદા જુદા દેવોની પૂજા કરતા હોય છે. કોઈ કોઈ તો રોજ સવારે જુદા જુદા મંદિરોમાં જતા હોય છે. અહી એકાગ્રતા ક્યાં આવી? ઘેર રહીને પોતાના મંદિરની મૂર્તિની પૂજા કરીએ તો કદાચ એકાગ્રતા જાળવી શકાતી હશે પણ મંદિરોમાં ભારે ઘોંઘાટ અને ભીડ વચ્ચે તે કેમ કરીને જળવાય? ખાસ કરીને જ્યાં ખિસ્સા પાકીટ અને અછોડા સંભાળવાના હોય અને જૂતા ચંપલની ચિંતા માથા પર હોય ત્યાં?

એકાગ્રતા ખાતર કશાકની જરૂર હોય તો તે માનવ સ્વરૂપની મૂર્તિ જ શા માટે? એકાદ ગોળો મુકીને તેના પર દૃષ્ટિ સ્થિર કરી શકાય. મોટા ગોળાથી શરૂઆત કરીને ઉત્તરોત્તર નાના ગોળા મુકીને એકાગ્રતા વધુ ને વધુ તીવ્ર કરતા જઈ શકાય. માનવ રૂપની મૂર્તિની જ પૂજા કરવી હોય તો પણ કોની મૂર્તિની પૂજા કરવી? સામાન્ય રીતે આપણે આપણા કૂળની પરંપરા ચાલુ રાખીને આપણા કૂળદેવતાની પૂજા કરતાહોઈએ છીએ. કારણ કે તેમને માટેની શ્રદ્ધા આપણને વારસામાં મળી હોય છે. જેની પણ પૂજા કરીએ તેની કોઈને કોઈ વાર્તા હોય છે. આ વાર્તા પૂરેપૂરી સાચી હોય છે તેમ આપણે માની લઈએ છીએ. જેની પૂજા કરીએ તે ઇષ્ટદેવ સર્વગુણસંપન્ન અને સર્વદોષરહિત હોય એમ માનવાનું આપણને ગમે. પરંતુ તે ભૂલભરેલું હોઈ શકે. આપણા ઇષ્ટદેવ ઐતિહાસિક હોય કે કાલ્પનિક હોય, તેમના કરેલા કહેવાતા કૃત્યો વિષે વૈજ્ઞાનિક કે તાર્કિક શંકા ન કરીએ તો પણ આપણી સામાન્ય બુદ્ધિ વાપરી સત્ય, ન્યાય અને માનવીયતાની દૃષ્ટિથી તેમને મૂલવવા જોઈએ. આપણે તેમ કરતા નથી. દાખલા તરીકે, રામે સીતાની લીધેલી અત્યંત અન્યાયી, અમાનુષી અને ઘૃણાસ્પદ અગ્નિપરીક્ષાને વ્યાજબી ના ગણવી જોઈએ. છતાં ગણીએ છીએ. આ અને આવા કારણોને લીધે આપણી રોજિંદી જીંદગીમાં થતા અન્યાયોને આપણેસાંખી લેતા હોઈએ છીએ.

બીજા કેટલાક માળા ફેરવતા હોય છે. કોઈ મંત્ર એક વાર બોલીને એક મણકો ખસેડવાનો. ૧૦૮ મણકા ખસી જાય એટલે એક માળા પૂરી. કેટલી માળા ફેરવવાની હતી તે પહેલેથી નક્કી કર્યું હોય, તેટલી માળા ફરી જાય ત્યાં સુધી મંત્ર જપ્યા કરવાનો. ધ્યાન મંત્રમાં રહે કે મણકો ખસેડવામાં, કે પછી માળા ગણવામાં? ઈશ્વર માટે ભાવના હોય તો તેને કાંઈ ગણવાની હોય? તેવું જ વિષ્ણુસહસ્ત્રનામનું છે. નામ કહેવાય છે પણ તે બધા છે તો વિશેષણો જ. એક શ્લોકમાં ૧૦ નામ હોય તો લગભગ ૧૦૦ શ્લોક યાદ રાખવા પડે. એકનું એક નામ બીજી વાર આવી ન જવું જોઈએ. કોઈ નામ રહી ના જવું જોઈએ. વળી તે બધા પૂર્વ નિર્ધારિત ક્રમમાં જ બોલવા કે યાદ કરવા પડે. આમાં ધ્યાન કંઈ બાબતનું રખાય? ધ્યાન તો એનું રાખવું જોઈએ કે કોઈ જોતું ન હોય તો પણ ખરાબ કામ ન કરીએ અને સારા કામો જ કરીએ.

પુસ્તક્પુજા કરતા પણ ખરાબ હોય તો તે ગુરુપૂજા છે. "ગુરુ તો સાક્ષાત પરબ્રહ્મ છે" અને "બલિહારી ગુરુ આપકી ગોવિંદ દિયો બતાય" જેવા વાક્યો ખૂબ ભ્રામક છે જેનાથી પ્રજા છેતરાયા કરે છે. ગુરુઓએ પોતે પોતાની પ્રસંશા કરાવવા તેમ જ લોકોમાં હીનતાગ્રંથી પેદા કરવા અને ટકાવી રાખવા માટે આવા આવા કથનો પ્રચલિત કર્યા હોય છે કે જેથી તેઓ તેમના અનુયાયીઓનું શોષણ કર્યા કરી શકે. સાચી આધ્યાત્મિક વ્યક્તિ "નિર્મમો નિરહંકાર" સ્થિતપ્રજ્ઞ હોય. કોઈને પોતાના શિષ્ય બનાવવા માટે પોતે તેના કરતા આધ્યાત્મિક રીતે ચડિયાતા હોવાનું અભિમાન હોવું જરૂરી છે. માણસ કોઈને પોતાના શિષ્યતરીકે સ્વીકારે તો તે તેનો આધ્યાત્મિકતાનો અહંકાર સાબિત કરે છે. આમ "સદ્ગુરૂ" મળવા શક્ય જ નથી. અભિમાની વ્યક્તિને "સાક્ષાત પરબ્રહ્મ " કેમ કહી શકાય? "બલિહારી ગુરુ આપકી ગોવિંદ દિયો બતાય" માં સમજવા જેવી વાત એ છે કે ગુરુ અને ગોવિંદ એક નથી. વળી આ ગુરુ સમજદાર હતા તેથી પોતાને ઈશ્વર ગણાવવાને બદલે ગોવિન્દને બતાવ્યા.

સૌથી ઉતરતા પ્રકારની પૂજા ગાય, તુલસી, નદી વગેરેની છે. ખાસ કરીને ગૌપુજાની તરફેણમાં વૈજ્ઞાનિક જણાતી ભ્રામક દલીલો કરવામાં આવે છે. ગૌમુત્રના ફાયદાઓનું "સંશોધન" કરાય છે તો ભેંસમૂત્રનું કેમ નહીં? ફક્ત ગાયને જ કેમ મહત્વ આપીએ છીએ? ગૌપુજાનો ફાયદો તેમના માલિકોને જ થાય છે કે જેઓ ગાયોને રખડતી છોડીને દોહવાના સમયે જ હાજર થઇ જતા હોય છે.

ટૂંકમાં, જેની પૂજા કરીએ તેના સદ્ગુણોને આપણા જીવનમાં ઉતારીએ અને તેમની ભૂલોને ટાળીએ તો તે સૌથી ઉત્તમ પૂજા કહી શકાય.

Home