સાયન્સ

Home

સાયન્સ

આ વેબ સાઈટ પર ધર્મની ટીકા ઘણી કરી છે. સાથે થોડી સાયન્સની પણ કરવી જોઈએ કારણ કે કેટલાક મિત્રોને સાયન્સ પ્રત્યે ધર્મ જેવું જ મમત્વ હોય તેવું જણાય છે. તેમને મન સાયન્સ સર્વહિતકારી અને સર્વથા દોષમુક્ત છે. આ ભ્રમમાંથી પણ મુક્ત થવાની જરૂર છે. સાયન્સ સાધન છે, તેને સાધ્ય બનાવી તેની પૂજા કરવાની ના હોય.

'સાયન્સ' શબ્દનું ભાષાંતર કોણે કર્યું તે જણાતું નથી. પરંતુ તેને માટે 'વિજ્ઞાન' શબ્દનો વપરાશ રૂઢ થઇ ગયો છે અને સાથે સાથે ભ્રામક પણ થયો છે. સાયન્સ દ્વારા જે મળે છે તે ફક્ત માહિતી (information) હોય છે. તેને ના તો જ્ઞાન કહી શકાય કે ના તો વિજ્ઞાન કારણ કે તેમાંથી શાણપણ કે ડહાપણ મળતા નથી. તેથી આ લખાણમાં મૂળ અંગ્રેજી 'સાયન્સ' શબ્દનો જ ઉપયોગ કરીશ.

સાયન્સના દુરુપયોગની વાત આવે ત્યારે સાયન્સપ્રેમીઓ એવી દલીલ કરતા હોય છે કે તેમાં સાયન્સનો વાંક નથી પણ સમાજ કે ધર્મનો વાંક ગણાવો જોઈએ. ધર્મગુરુઓ પણ આવી જ દલીલ કરતા હોય છે કે તેમના ઉપદેશનું પાલન અનુયાયીઓ ના કરે તો તેમાં તેમનો વાંક ના ગણાય. આ એક ભ્રામક દલીલ છે. કેટલાક રાજકારણીઓ સારા પરિણામનો યશ પોતે લઈને ખરાબ પરિણામની જવાબદારી બીજાઓ પર ઢોળી દેતા હોય છે તેના જેવી આ વાત છે. જો સારા પરિણામનો યશ પોતે લેવો હોય તો ખરાબ પરિણામ માટેનો દોષ બીજાઓને ના દઈ શકાય, પોતે લેવો જ પડે.

મોટા ભાગનું સાયન્સ સારું હોય છે. પણ કેટલુંક સાયન્સ ખરાબ હોય છે ખરું. જેટલું ખરાબ હોય તેટલાને ખરાબ કહેવાની તૈયારી સાચા રેશનાલીસ્ટોએ રાખવી જોઈએ.

બધા આસ્તિકો ખરાબ નથી હોતા કે બધા સારા નથી હોતા. સાથે સાથે એ પણ સમજવું જોઈએ કે બધા સાયન્ટીસ્ટો દુર્જનો નથી હોતા, બધા સાયન્ટીસ્ટો સજ્જનો નથી હોતા. કેટલાક સાયન્ટીસ્ટો એવા પણ હોય છે કે જેઓ સમાજને હાનિ પહોંચાડે તેવા હેતુથી જ શોધ કરતા હોય છે. બીજા વિશ્વયુદ્ધ પહેલા અને દરમ્યાન જર્મન સાયન્ટીસ્ટો એવા પ્રયાસો કરતા કે જેથી યહૂદી નાગરિકોનું નિકંદન કાઢી નંખાય. સોવિયેટ સંઘના વિઘટનને લીધે બેકાર બનેલા યુક્રેનિયન અને રશિયન સાયન્ટીસ્ટોના કરતૂતો ગુગલ પરથી જાણી શકાશે.

સૌથી પ્રખ્યાત સાયન્ટીસ્ટ આલ્બર્ટ આઇન્સ્ટાઇનનો દાખલો લઈએ. તેઓ આમ તો ઘણા દયાળુ સજ્જન હતા. તેમણે 1905 માં તેમનું જાણીતું સમીકરણ E = mc2 પ્રસિધ્ધ કર્યું. તે સમીકરણનો શાંતિમય હેતુ માટે ઉપયોગ કરવાની કોઈ પણ દરખાસ્ત તેઓએ તેમના લાંબા જીવન દરમ્યાન ક્યારે પણ કરી નહોતી. પરંતુ 1939માં તેમણે અમેરિકન પ્રમુખ રુઝવેલ્ટને એક પત્ર લખ્યો. તેમાં તેમણે પ્રસ્તાવ મુક્યો કે જર્મનો બનાવે તે પહેલા અમેરિકાએ અણુબોંબ બનાવવો જોઈએ. ત્યાર બાદ બીજા ત્રણ પત્રો લખીને તેમણે દબાણ પણ કર્યું હતું. અમરિકન સરકારે બોંબ બનાવવાનું શરુ કર્યું પણ આઇન્સ્ટાઇન શાંતિવાદી ગણાતા હોવાથી તેઓને આ પ્રયત્નમાંથી બાકાત રાખવામાં આવ્યા હતા. આવા શાંતિવાદી સાયન્ટીસ્ટ પણ લાંબો વિચાર ના કરી શક્યા કે અણુબોંબ બનાવવાના દૂરગામી પરિણામ કેવા આવશે. (બોંબ બની ગયા પહેલા જર્મનો હારી ના ગયા હોત તો તે શું જર્મની પર નાખ્યો હોત? જાપાન પર નાંખ્યો કારણ કે તેણે અમેરિકાના બંદર પર્લ હાર્બર પર જોરદાર હુમલો કર્યો હતો.) દુનિયાના મોટા દેશો વચ્ચે જે હરીફાઈ ચાલી તેનો વાંક આઇન્સ્ટાઇનનો કેમ ના ગણાય?

અણુંબોંબ બનાવવામાં પડતી મુશ્કેલીઓના નિવારણ માટે અમેરિકન સરકારે રોબર્ટ ઓપનહાઈમર, નીલ બોહર, એનરીકો ફર્મી અને રિચાર્ડ ફેઇનમાન વગેરે વિખ્યાત સાયન્ટીસ્ટોની મદદ લીધી હતી. (તેઓને પાછળથી નોબેલ પ્રાઈઝ પણ મળ્યા હતા.) આ મહાનુભાવો વિજ્ઞાની કે જ્ઞાની નહોતા. તે બધા તો મહાઅજ્ઞાની હતા કારણ કે તે સૌ જાણતા હતા કે આ એક અત્યંત વિનાશક માનવઘાતક બોંબ બનાવતા હતા. કોઈને તે અનુચીત લાગ્યું નહોતું. જર્મનો બનાવે તે પહેલા તે બોંબ બનાવવાની ઉતાવળમાં હતા. જર્મનો હાર્યા તો પણ બોંબ બનાવવાનું ચાલુ રાખ્યું હતું.

બીજા વિશ્વયુદ્ધમાં 8 મે 1945 ના દિવસે જર્મનીએ હાર સ્વીકારી લીધી. ત્યારબાદ ત્રણેક મહિનામાં 6 ઑગસ્ટ 1945 ના દિવસે અમેરિકાએ જાપાનના હિરોશીમા શહેર પર બોંબ નાંખ્યો. આ દરમ્યાન 'મહાન' સાયન્ટીસ્ટ રૉબર્ટ ઓપનહાઇમેન અને રીચાર્ડ ફેયન્મેન તેમનું સંશોધન અટકાવી શક્યા હોત જો તેમનામાં થોડું પણ ડહાપણ હોત. તે ના થયું.

અહીં સમજવાની વાત એ છે કે સાયન્સે માહિતી આપી કે પરમાણુમાંથી પુષ્કળ પ્રમાણમાં ઉર્જા મળી શકે છે. તે જ્ઞાન ના કહેવાય. તે ઉર્જાનો સદુપયોગ કરવો કે દુરુપયોગ કરવો તે નક્કી કરવાનું શક્ય બનાવે તેને જ જ્ઞાન કહી શકાય.

અહીં મૂર્ત અમૂર્ત નું પણ ઉદાહરણ મળે છે. ઉર્જા અમૂર્ત છે. તેને અમેરિકાથી શરૂમાં જર્મની અને પાછળથી જાપાન લઇ જવા માટે મૂર્ત કરવી પડી. તે મૂર્તિઓને નામ આપ્યા, 'Little Boy' અને 'Fat Boy'. આ બે મૂર્તિઓને એક પછી એક જાપાન પર નાખી તો જ તેનું દુષ્પરિણામ લાવી શકાયું. મૂર્તીપુજાનું આ વરવું સ્વરૂપ હતું.

ડહાપણનું કામ તો બ્રિટિશ સરકારે કરેલું. બોંબ માટે આવશ્યક હેવી વોટરના જર્મનોના બે જથ્થાઓનો નાશ જાસૂસી દ્વારા બે જુદા જુદા પ્રસંગે કર્યો હતો. તેનાથી જર્મન સાયન્ટીસ્ટો ના પ્રયોગો મોડા પડી ગયા હતા.

સાયન્સની બધી શોધો માનવહિતકારી નથી હોતી. તેને લીધે અણુબોંબ બન્યા, હજારો માનવો માર્યા ગયા. જમ પણ પેધો પડી ગયો અને શસ્ત્ર સ્પર્ધા શરુ થઇ. હજુ આજે પણ તેના માઠા ફળ કનડયા કરે છે. શાંતિમય હેતુથી બાંધેલા અણુવીજ મથકોમાં પેદા થતા કચરાનો નિકાલ કરવાની સમશ્યા હજુ હલ થઇ નથી. DDT ની ખરાબ અસરો જાણીતી છે. પ્લાસ્ટિકના કચરાનો એટલો મોટો જથ્થો પેસિફિક મહાસાગરમાં તરે છે કે જાણે અર્ધું ભારત સમાવી શકાય તેટલો મોટો સાતસો કિલોમીટર ત્રિજયાનો ટાપુ બન્યો હોય. સાયન્સની કેટલીક શોધો એવી છે કે શરૂઆતમાં તે ઉપયોગી જણાતી હતી પણ સમય જતાં તે માનવજાત માટે હાનિકારક નીવડી છે.

Home