ભક્તિ અને શ્રદ્ધા
ભક્તિ અને શ્રદ્ધા
(Logic, Faith and God નો ગુજરાતી અનુવાદ)
ભક્તિ અને પ્રાર્થના પવિત્ર અને સાત્વિક પ્રવૃત્તિઓ મનાય છે. પણ શું આપણે તેમનું હાર્દ સમજ્યા છીએ ખરા?
'માણસાઈના દીવા' પ્રગટાવનાર સ્વ. શ્રી રવિશંકર મહારાજે ભક્તિને વરાળની ઉપમા આપી હતી. વરાળ તો બધે જ હોય. રણમાં, અલ્પ માત્રામાં ભલે, પણ હોય છે ખરી. તે સર્વવ્યાપી વરાળ એટલી બધી ઉપયોગી નથી નીવડતી. જયારે બોઇલરમાં પુરાયેલી વરાળ તો લાંબી લાંબી આગગાડીઓને તેમજ મોટા મોટા જહાજોને કે કારખાનાઓને ચલાવી શકે. શરત એટલી જ કે બોઈલરમાં છિદ્ર ન હોવું જોઈએ. નહીં તો જરૂરી દબાણ પેદા ન થાય. તેવી જ રીતે ભક્તિ રૂપી વરાળની શક્તિ પેદા કરવા માટે આપણા મનના બોઈલરમાં છિદ્ર ન હોવું જોઈએ. પૂ. મહારાજ અનુસાર આ છિદ્ર હતા, ગાયન, નર્તન અને પ્રદર્શન કારણ કે ધ્યાન તેમાં ફંટાઈ જાય છે.
ભક્તિ એટલે જીવાત્મા રૂપી પત્નીનો પરમાત્મા રૂપી પતિ માટેનો ઉત્કટ પ્રેમભાવ. તે જાહેરમાં કે સમૂહમાં કરવાની ના હોય. છતાં તેને માટે કેટકેટલા મંદિરો, ચર્ચો, સીનાગોગો, મસ્જીદો, ગુરુદ્વારાઓ વગેરે બાંધવા અને નિભાવવામાં આવે છે! આ બધા સામાજિક જીવન માટે જરૂરી ખરા પણ ભક્તિ કરવા માટે નહીં. ત્યાં ન જનારી બધી વ્યક્તિઓને દુષ્ટ નાસ્તિક ન ગણી શકાય.
કેટલાક મિત્રો ભક્તિ કરવા માટે બીજાઓને પ્રોત્સાહિત કરવાની પ્રવૃત્તિ કરે છે. પણ ભૂલી જાય છે કે ભક્તિ તો થઇ જાય, કરવાની ન હોય. ખાસ તો તેને માટે અગાઉથી સ્થળ સમય નક્કી ન કરી શકાય. વળી કોણે ક્યાં, કઈ ભાષામાં, કયા શબ્દોમાં, ક્યારે, કેવી રીતે પ્રાર્થના કરવી તે જે તે વ્યક્તિની પસંદગી પર છોડવું જોઈએ. તેને બદલે ગુરુઓ તેમના અનુયાયીઓની પ્રાર્થનાનું નિયંત્રણ કરતા હોય છે તે કેટલે અંશે યોગ્ય છે?
શ્રધ્ધા વિના ભક્તિ ન થઇ શકે. પણ શ્રદ્ધા એટલે શું? જે માન્યતા સાચી કે ખોટી સાબિત ન થઇ શકે તેને સાચી માનવી તેનું નામ શ્રદ્ધા. કોઈ વાત માનવા માટે કારણ આપીએ તો તે શ્રદ્ધાની વાત નથી રહેતી. જેમ કે કોઈ ધર્મપુસ્તકમાં લખ્યું હોય કે પૃથ્વી સપાટ છે તો તે વાતને, ધર્મપુસ્તકમાં લખ્યું છે તેથી જ સાચી માનવી તે શ્રદ્ધા નથી. બીજી બાજુ, પૃથ્વી ગોળ છે તે સ્વીકારીએ તો તે પણ શ્રદ્ધા નથી.
આ થોડા દાખલા વડે સ્પષ્ટ કરીએ. નીચે લખેલા પ્રસંગો ખરેખર બનેલા છે, આ લખનારે ઉપજાવી કાઢેલા નથી.
એક સજ્જનને તેમના ગુરુ પ્રત્યે ઘણી શ્રદ્ધા છે. તેમના કહેવા પ્રમાણે તેમના ગુરુએ તેમને બઢતી અપાવી હતી. તેમની સરકારી નોકરીમાં તો વરિષ્ઠતા (સિનિઓરિટિ) પ્રમાણે જ બઢતી મળતી હતી. હવે જો તેમનો વારો હતો જ તો ગુરુકૃપા વિના પણ બઢતી મળી હોત. અને વારો ન હોવા છતાં ગુરુકૃપાને લીધે તે બઢતી મળી હોય તો બીજા કોઈને અન્યાય થયો. ગુરુજીએ કોઈ વિદ્યા શીખવી હોય જેને લીધે તેમની આવડત વધી હોય અને વધુ સારી નોકરી મળી હોય તો તે સાચી અને સારી ગુરુકૃપા ગણી શકાય.
એક ખૂબ ધાર્મિક વડીલે કહેલું, "તલાટીની નોકરીમાં તો શું પૂરું થાય,પણ ઈશ્વરકૃપાથી ઉપરની આવક સારી છે તેથી ગાડું ગબડે છે." ઈશ્વર જો કૃપા જ કરવાનો હતો તો તેમને ભણવામાં મદદ કરી સારી નોકરી ના અપાવત?
એક સામયિકમાં એક લેખ હતો કે કોઈ ખાસ મંત્રના જાપ કરવાથી એક પરિવારને કોર્ટ કેસમાં જીત મળી હતી. જરા વિચારીએ. જો સત્ય તેમને પક્ષે હતું તો જાપ વગર પણ જીત થવી જોઈતી હતી. અને નહોતું તો જાપને લીધે બેવડો અન્યાય થયો. મંત્રના જાપથી સામા પક્ષે, કોર્ટમાં ગયા વગર, સમાધાન કર્યું હોત તો જુદી વાત હતી.
એક બીજા ભક્ત એક વિખ્યાત ઐતિહાસિક સંતને તેમના ઇષ્ટદેવ માને. તેમની પુત્રીનું વેવિશાળ તે જ સંતના એક બીજા ભક્તના પુત્ર સાથે થયું. વરના કુટુંબની ઈચ્છા તે વરસે લગ્ન લેવાની હતી. આ ભાઈ પાસે પૈસા નહોતા. કહે, "મેં તો મારી સમશ્યા મારા ઇષ્ટદેવને સોંપી દીધી. મારા વેવાઈના જમાઈનું અકસ્માતમાં મરણ થવાથી લગ્ન મુલતવી રહ્યા. જોયો મારા ઈષ્ટદેવનો પ્રભાવ?" ઇષ્ટદેવ શું એવા નાદાન હોઈ શકે કે એક ભક્તને સહાય કરવા તેમના જ બીજા ભક્તનું ઘોર અહિત કરે? જૂની ઉઘરાણી અણધારી વસુલ થવાથી કે બીજી કોઈ નૈતિક રીતે પૈસા મળી ગયા હોય તો તે ઈષ્ટદેવનો પ્રભાવ.
એક મિત્રે કહ્યું કે તેમના ગુરુના ગુરુ પાંચસો વરસથી જીવતા હતા. શું તે ગુરુવરને પોતાનો નશ્વર દેહ એટલો બધો વ્હાલો હતો કે ચારસો વરસથી પકડી રાખ્યો હતો? તો કહે કે હિંદુ ધર્મની રક્ષા માટે હિમાલયમાં તપ કરતા હતા. છેલ્લા ચારસો વરસોમાં હિંદુ ધર્મ પર વારંવાર આપત્તિઓ આવી હતી ત્યારે તેઓ ક્યાં હતા? ધર્મનું રક્ષણ ક્યારે ક્યારે કેવી રીતે કર્યું? જવાબ નથી.
આવી શ્રધ્ધાને આપણે શું કહી શકીએ? તેને ખોટી અથવા અંધશ્રદ્ધા ન કહીએ તો પણ કાચી તો કહી શકાય.આપણી શ્રદ્ધા એવી તો ન જ હોવી જોઈએ કે જેથી બીજાનું અહિત થાય.
કોઈ તહેવારના દિવસે એક સજ્જન ગરીબોને લાડવા વહેંચતા હતા. એક ખુબ ગરીબ બાઈ સાથે તેનું નાનું બાળક હતું તે જોઈને તેમણે તેને ત્રણ લાડવા આપ્યા. તે બાઈએ કહ્યું, " સાહેબ મને બે જ લાડવા આપો." સજ્જને કહ્યું કે ત્રીજો લાડવો તેના બાળકને સાંજે ખાવા માટે આપ્યો હતો. તો કહે, "સાંજે તો _____ મા અમને પહોંચાડશે. અત્યારે તો બીજા ઘણા ભૂખ્યા પાછળ છે તેમને આપો." (આ પણ બનેલી વાત છે, કાલ્પનિક નથી.) આનું નામ સાચી શ્રદ્ધા પછી ભલે તે મેલડી મા પ્રત્યે હોય કે અંબામા કે ગાયત્રીમા પ્રત્યે હોય.
ટૂંકામાં કહીએ તો જે વિચારસરણી ખોટું કે ખરાબ કામ કરતા પહેલા ચેતવે અને અટકાવે તથા ભૂલથી થઇ ગયું હોય તો પસ્તાવો કરાવે અને સારું સાચું કામ કરવાની પ્રેરણા તથા હિંમત આપે તેને સાચી શ્રદ્ધા કહી શકાય.
પરંતુ શીતળામા અને બળિયાબાપા જેવા દેવ-દેવીઓની પૂજાને અંધશ્રદ્ધા ન કહેવાથી શ્રદ્ધાની વિભાવનાનું ઘોર અપમાન થાય છે. વીમો લઈને પ્રીમીયમ ભરીને પોતાની ગેરહાજરીમાં પોતાના કુટુંબના યોગક્ષેમની જવાબદારી વીમા કંપનીને સોંપવાને બદલે પરમેશ્વર પર ઢોળવી તે સાચી શ્રદ્ધા નથી, નિષ્કાળજી છે, પરાવલંબી મનોવૃત્તિનું લક્ષણ છે. બીમાર સ્વજનની દાકતરી સારવાર કરાવવાને બદલે પાણીના કે કાળી માટીના પોતા મુકવા અને પ્રાર્થના કર્યે રાખવી તે પણ બિનજવાબદાર પગલું છે, શ્રદ્ધા નથી.
વિશ્વાસ એ શ્રદ્ધા નથી. વિશ્વાસ જીવંત વ્યક્તિ પરત્વે હોય, શ્રદ્ધા માટે તેવું કશું બંધન નથી. વિશ્વાસ મેળવવો પડે, તેમાં આદાન-પ્રદાન (quid pro quo) હોય પછી ભલે તે મૌખિક અથવા અવ્યક્ત હોય. શ્રદ્ધા એકતરફી હોય, વિશ્વાસ પરસ્પર હોય. સાચા શિષ્યને સાચા ગુરૂ પ્રત્યે શ્રદ્ધા હોય, ગુરૂને તો શિષ્ય માટે વિશ્વાસ જ હોઈ શકે, શ્રદ્ધા નહિ. વિશ્વાસઘાત કરી શકાય, શ્રદ્ધાઘાત નહિ. વિશ્વાસ વિના શ્રદ્ધા શક્ય નથી, શ્રદ્ધા વિના વિશ્વાસ સંજોગવશાત રાખવો પણ પડે. જેમ કે પ્રવાસ દરમ્યાન વાહન ચાલક આપણને લક્ષ્ય પર સહીસલામત અને સમયસર પહોચાડશે તેવો વિશ્વાસ (શ્રદ્ધા નહિ) રાખીએ છીએ. તેનો બીજો કશો વિકલ્પ નથી હોતો અને ચાલકને સીધેસીધું અથવા આડકતરી રીતે મહેનતાણું આપેલું હોય છે. ચાલકે જરૂરી તાલીમ લીધી હશે અને કસોટી પસાર કરીને પરવાનો લીધો હશે એમ માની લેવું પડે. અમેરિકન પ્રમુખ રોનાલ્ડ રેગન કહેતા 'Trust, but verify વિશ્વાસ કરો પણ ચકાસણી કરતા રહો.' વિશ્વાસની ચકાસણી કરી શકાય, શ્રદ્ધાનો તો અખતરો જ કરી શકાય. સોદાબાજી માટે વિશ્વાસમાં અવકાશ હોઈ શકે, શ્રદ્ધા અંગે નહીં. બાધા આખડી, માનતા, કથા જેવી ફળનો લાભ મેળવવા કરેલી વ્યાપારી ભક્તિને શ્રદ્ધા ન કહી શકાય કારણ કે તેમાં લેવડદેવડ આવી જાય છે. ફળ મળ્યા પછી જ પૂજા કરવાની હોય તો તેનો અર્થ એમ કે જેની માનતા માની હોય તે દેવ કે દેવી વાંછિત ફળ ન પણ આપે એવો ભય 'ભક્ત'ના મનમાં સૂતેલો છે. આને તમે શ્રદ્ધા કહેશો?
કોઈ વ્યક્તિ શ્રદ્ધાને પાત્ર ન હોય એવું બને જેમકે શ્રીકૃષ્ણ. અર્જુન સદેહે સ્વર્ગમાં જઈ આવ્યો હતો. ત્યાર બાદ ગીતા સાંભળી. શ્રીકૃષ્ણે કહ્યું 'अहम् त्वा सर्व पापेभ्यो मोक्षयिष्यामि હું તને બધા પાપમાંથી મુક્ત કરીશ.' છતાં તેને સ્વર્ગમાં પ્રવેશ ન મળ્યો, (કૂતરાને મળ્યો). યુધિષ્ઠિરે સમજાવ્યું કે તેના થોડા પાપ રહી ગયા હતા. શ્રીકૃષ્ણનો આશય વચનભંગ કરવાનો નહિ હશે, આપત્તિ સમયે અર્જુનને આદેશ અને સધ્યારો આપવા ખાતર આવું કહેવું પડ્યું હશે. તેઓ એક અત્યંત મહાન લોકહિતેચ્છુ રાજપુરુષ (statesman) હતા, પણ પરમેશ્વર તો નહીં જ. કોઈના પાપ માફ કરવાની સત્તા તેમને ન્હોતી. તેમને ભગવાન માનવાથી ક્યારેક અર્જુનની જેમ પસ્તાવું પણ પડે. માટે શ્રદ્ધા સિદ્ધાંત પર જ રાખવી જોઈએ, કોઈ વ્યક્તિ પર નહીં.
શ્રદ્ધા કોનામાં કે શાનામાં રાખવી જોઈએ? આપમેળે આવી મળતી શ્રદ્ધા અંગે પસંદગીનો અવકાશ ના હોય. છતાં જો શક્ય હોય તો વિચારવું જોઈએ કે પોતાની શ્રદ્ધા ખરેખર શ્રદ્ધા છે? હોય તો તે પરમેશ્વરમાં કે બીજા કોઈ કે બીજા કશામાં? આપણે કશે જવા માટે કોઈ વાહનમાં બેસીએ આંખ મીંચીને પડી રહીએ કે ઊંઘી જઈએ તેનો ઉપયોગ ધર્મપ્રચારકો શ્રધ્ધાના ઉદાહરણ તરીકે કરતા હોય છે. તે કાંઈ ચાલક પ્રત્યેની આપણી શ્રધ્ધાને લીધે નહિ પણ લાચારીને લીધે હોય છે. આને શ્રધ્ધા ના કહેવાય. જુઠું બોલવાથી લાભ થતો હોય છતાં તે ના બોલીએ તો તે સત્ય પરની સાચી શ્રધ્ધા કહી શકાય.
ઘણી વાર એવું પણ બને છે કે જેને આપણે પરમેશ્વર પ્રત્યેની શ્રદ્ધા માનતા હોઈએ તે તેમ નથી હોતું. દાખલા તરીકે ઘણા લોકો કોઈને કોઈ એક પુસ્તકને, પછી ભલે તે વેદ, ગીતા, બાઈબલ, કુરાન, ગ્રંથસાહેબ કે તે કક્ષાનું બીજું કોઈ પુસ્તક હોય તેને, ઈશ્વરનો શબ્દ માનતા હોય છે. તેમને તો કોઈ વડીલ, પિતા, માતા, શિક્ષક અથવા ધર્મગુરુએ કહ્યું હોય કે તે પુસ્તક ઈશ્વરનો શબ્દ છે. તે કહેનાર પ્રત્યેના વિશ્વાસને લીધે લોકો માની લેતા હોય છે. પણ આ વિશ્વાસ કંઈ ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા નથી હોતી. આમ કહેનારને પણ બીજા કોઈએ કહ્યું હોય તે માની લીધું હોય. આવી રીતે આગળથી ચાલી આવતી માન્યતાને શ્રદ્ધાનું નામ ન આપવું જોઈએ.
બીજા કેટલાક ભક્તોની શ્રદ્ધા ચમત્કાર અથવા વ્યક્તિગત ઉપકારને લીધે ઉત્પન્ન થયેલી હોય છે. તે પણ કાચી શ્રધ્દ્ધા ગણી શકાય. આવી શ્રધ્ધાને બદલે આપણે ઈશ્વર અને સત્ય, ન્યાય, પ્રેમ જેવા ઈશ્વરીય ગુણો પર શ્રદ્ધા રાખીએ તો સારું.
આપણે આપણા સંતાનોને સારા સંસ્કાર આપવાને નામે પ્રાર્થના કરતાં શીખવીએ છીએ. સારી વાત છે. પણ તે પ્રાર્થના સમજ્યા વગર યંત્રવત ના કરે તેનું ધ્યાન રાખવું જોઈએ.
God is above and beyond all religions. આ વાક્યનું સરળ સચોટ ગુજરાતી ના આવડવાથી અંગ્રેજીમાં જ રહેવા દીધું છે પણ તે સમજીને યાદ રાખવા જેવું છે.