વાંચકને

Home

પ્રિય વાંચક,

આ વેબ સાઈટ ખોલવા બદલ આભાર. બહુ ઓછા ખોલે છે.

અહીં રજુ કરેલા વિચારો ઘણા વાંચકોને ગમતા નથી. તમને પણ કદાચ નહીં ગમે. તમારે ગમાડવા જ જોઈએ એવો મારો આગ્રહ પણ નથી.

જુદા જુદા શબ્દોમાં કહેવાએલી પણ મૂળ મુદ્દે એકની એક વાતો વાંચી કે સાંભળી ને કંટાળી ગયા હો, તે વાતો શંકાસ્પદ લાગતી હોય અને તેમની યથાર્થતા ચકાસવાની ઈચ્છા હોય તો ચાલો આપણે તેમ કરીએ પછી ભલે આપણે સહમત ના પણ થઈએ. તે પહેલા થોડી ભૂમિકા જોઈ લઈએ.

પ્રચલિત વાર્તાઓમાં હું કશો ફેરફાર નથી કરતો, કેટલાક ધર્મપ્રચારક કરે છે. એક તો કહેતા કે વિશ્વામિત્રનો મેનકા સાથે તપોભંગ થયો જ ન્હોતો. જાણે શકુંતલા અને તેનો પુત્ર ભરત જન્મ્યા જ ન્હોતા અને આપણા દેશનું નામ કોઈ બીજા જ ભરતના નામ પરથી ભારત પડ્યું હશે! હું તો કેવળ તે વાર્તાઓમાં રહેલી વિસંગતતાઓ દર્શાવી તેમના જુદા અર્થઘટન કરું છું. આ તો કોઈ પણ વ્યક્તિ તેની સામાન્ય બુધ્ધિ વાપરીને કરી શકે જો પોતાની લઘુતાગ્રંથી ત્યજી દે તો. તેમ કરવાની ધ્રુષ્ટતા હું કરું છું તેટલું જ.

હું કોઈ વિદ્વાન નથી. એક સામાન્ય માનવી છું, અસત્યોના પ્રચારના પડઘમ વાંચી સાંભળી કંટાળેલો. કહેવાતા મહાન પાત્રોની મહાનતા કેટલી પોલી છે તે જણાતાં આ બધા લખાણ રજુ કરવા તૈયાર થયો. બચપણ અને યુવાનીમાં ધાર્મિક હતો. હવે નથી. ધર્મવિરોધી પણ નથી. સત્ય, ન્યાય અને માનવીય આચરણનો આગ્રહી છું.

વધુ વિગત બીજા લખાણોમાં છે તેથી તેમનું પુનરાવર્તન અહીં કરવું યોગ્ય નથી. ઈચ્છા હોય તો જુઓ આત્મપરિચય, Preface and/or introduction.

Home