કરવેરાની આવશ્યકતા
(Translation of The Truth about Taxes)
કરવેરા ઘટાડવાની માંગ થયા જ કરતી હોય છે. પણ ઘટાડવા જ શા માટે, નાબુદ જ ના કરવા જોઈએ? એવી કોઈ મર્યાદા છે કે જે પહોંચ્યા બાદ લોકો કરવેરા ઘટાડવાની માંગ કરતા બંધ થાય? લાગતું તો નથી. વેપારીઓ અને ધનવાનો તો કદાપિ અટકવાના નથી. કરવેરા કોઈને જ નથી ગમતા હોતા, બધાને અકારા લાગતા હોય છે.
આપણે આપણી જાતને "કરદાતા" કહીએ છીએ, જાણે મોટા દાનવીર ના હોઈએ! એ ભૂલી જઈએ છીએ કે આપણે "લાભ-આદાતા" (લાભ મેળવનાર) પણ છીએ. ફેર એટલો છે કે તે બધા લાભો જાણે આપણા જન્મસિદ્ધ અધિકારો હોય તેમ આપણે તેમનાથી ટેવાઈ ગયા છીએ અને તેને માટે સીધી કે આડકતરી રીતે પૈસા આપવા પડે તે આપણને સુઝતું જ નથી. અને સુઝે તો પણ તે કોઈ બીજા ચૂકવે તેવી આપણી મનોવૃત્તિ છે. અમેરિકામાં કહે છે કે
"Don't tax you, do'nt tax me
Tax the man behind the tree"
"તમે કર ના ભરશો, મારી પાસેથી કર ના લેશો, ઝાડ પાછળની (કોઈ અજાણી) વ્યક્તિ પાસેથી કર લો."
કરવેરાની શરૂઆત કેવી રીતે થઇ? ધારીએ કે ચંદ્ર અથવા બીજા કોઈ ગ્રહ પર પહોંચી ગયા. એક જ વ્યક્તિ કે કુટુંબ હોય તો પોતાનું ઘર બનાવીને પોતાની રીતે રહે. બે કુટુંબો હોય તો એકલવાયા રહે અથવા એકબીજાને ત્યાં જવા માટે રસ્તો બનાવી લે. ત્રણ કુટુંબો હોય તો પણ જે કુટુંબ સાથે સંબંધ રાખવો હોય તેને ત્યાં જવાનો રસ્તો બનાવી લે. દરેક કુટુંબ પોતપોતાના ખર્ચે પોતાની જરૂરિયાત જેટલા રસ્તા બાંધી તેમનો નિભાવ કરી લે. કુટુંબોની સંખ્યા વધી જાય પછી શું? નફો થવાની શક્યતા હોય તો કોઈ વેપારી (વ્યક્તિ અથવા પેઢી) રસ્તા બાંધી, ટોલ ઉઘરાવી ધંધો ચાલુ કરે. નફો થાય તેવું ના હોય તો શું? બધા કુટુંબો સહકારી સંસ્થા ચલાવી શકે. અને જેણે જે રસ્તાનો જેટલો ઉપયોગ કર્યો હોય તે પ્રમાણે તેનું શુલ્ક (fee) ઉઘરાવી લે. પરંતુ, કોણે કયા રસ્તાનો કેટલો ઉપયોગ કર્યો તે નક્કી કરી શકાય તેમ ના હોય અથવા તેમ કરવાનું મોંઘુ પડે તેમ હોય તો શું? સુધરાઈની સ્થાપના કરી, ઉચ્ચક કરવેરા લઈને રસ્તાઓના બાંધકામ અને નિભાવખર્ચ ભોગવે. સમજવાની વાત એ છે કે પ્રવૃત્તિ નફાકારક હોય તો કોઈ ને કોઈ વેપારી તે પ્રવૃત્તિ કરવાનો ધંધો ચાલુ કરશે. બધી પ્રવૃત્તિઓ નફાકારક નથી હોતી છતાં કેટલીક પ્રવૃત્તિઓ સમાજ માટે ખૂબ જ જરૂરી હોય છે તે કરવા માટે સુધરાઈ, ગ્રામ પંચાયત, જીલ્લા પંચાયત, રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકારે જવાબદારી સ્વીકારવી પડે અને આપણે તે સંસ્થાને કરવેરા ભરવા પડે.
બાળકોને સારું શિક્ષણ આપવું તે સમાજના બધા વર્ગો માટે જરૂરી અને ઉપયોગી પ્રવૃત્તિ નથી? હવે કોઈ કુંવારા અથવા વૃદ્ધ વ્યક્તિઓ એવી દલીલ કરે કે તેમને છોકરા નથી કે તેમના સંતાન ભણતા નથી તેથી તેમના કરવેરામાં રાહત અપાવી જોઈએ તો તે વ્યાજબી ગણી શકાય?
એક બીજો દાખલો લઈએ. ગુજરાતમાં જ નહીં પણ અમેરિકામાં પણ રાજ્ય સરકાર કેટલાક માર્ગો (રૂટ) પર બસો ચલાવે છે. બધા જ માર્ગો નફાકારક નથી હોતા છતાં જરૂરી હોય છે. જે રસ્તાઓ પર કોઈ જ ખાનગી કંપની બસો ચલાવવા રાજી ના હોય તેના પર રાજ્ય સરકાર ચલાવે. મૂળથી જ ખોટની પ્રવૃત્તિ છે તેથી ખોટ તો જાય જ પણ બદનામ સરકાર થાય. હવે કેટલાક લોકો આ મુદ્દો ઉભો કરીને કરવેરા ઘટાડવાની કે નાબુદ કરવાની માંગ કરે તો તે વ્યાજબી ગણાય?
કરવેરા ઉઘરાવવાનો હેતુ એવી પ્રવૃત્તિઓ કરવાનો હોય છે કે જે સગવડનો ઉપયોગ એટલી બધી વ્યક્તિઓ અથવા કુટુંબો એટલા વધતા-ઓછા પ્રમાણમાં કરતા હોય છે કે કોની પાસેથી કેટલા પૈસા લેવા તે નક્કી કરી શકાતું ના હોય. આમ હોવાથી કોઈ એક પ્રદેશને તેના કરવેરાનો "વ્યાજબી ભાગ" નથી મળતો એવી ફરિયાદ કરવાનો કશો અર્થ નથી હોતો.
કરવેરાનું પ્રમાણ વધતું કેમ જાય છે? કારણ કે આપણી અપેક્ષાઓ અને જરૂરિયાતો વધતી જાય છે. કશે પણ કોઈ નાનો સરખો પણ અસ્વીકાર્ય બનાવ બને કે તરત તેવા બનાવ ફરીથી બનતા અટકાવવા અથવા તેનું નિયમન કરવા માટે કોઈ કાયદો બનાવવાની માંગ આપણે કરીએ છીએ પછી ભલે તેવો બનાવ બનવાની શક્યતા ઘણી ઓછી હોય. એક વાર આવો કાયદો પસાર થાય એટલે તેના અમલ માટે વ્યવસ્થા તંત્ર ગોઠવવું પડે, તેને બજેટ આપવું પડે અને ખર્ચ કરવો પડે. જુના બિનજરૂરી કાયદાઓ નાબુદ નથી કરતા તેથી તેમનો ખર્ચ તો ચાલુ રહે જ છે.
વળી સમાજ જીવન પણ વધુ ને વધુ પેચીદું (complex) થતું જાય છે. દાખલા તરીકે એકાદ દશકા પહેલા ઇન્ટરનેટનો પ્રસાર ઘણો ઓછો હતો તે હવે વધી જવાથી તેના પર થઇ શકતા બાળકોને અસર કરતા ગુનાઓને દાબવા માટે કાયદાઓ પસાર કરવાની ગંભીર અને સાચુકલી જરૂરિયાત ઉભી થઇ છે. આને લગતા કાયદાઓ કરવા પણ પડે અને તેમનો અમલ કરવા માટે ખર્ચ પણ કરવો પડે. આ કાયદાઓનો લાભ કોને કેટલો મળે છે તે નક્કી કરવાનું અશક્ય હોવાથી આપણે બધાએ તે સામુહિક રીતે ભોગવવો પડે. પરિણામે આપણા કરવેરામાં થોડો આવશ્યક અને અનિવાર્ય વધારો થાય તો તેનો વિરોધ કે બળાપો કરવાનો ના હોય. કરવેરા ઘટાડવાની આપણી અસ્ખલિત માંગણી બિનજવાબદાર અને અવ્યવહારુ જ ગણી શકાય.
કરવેરા ઘટાડવા માટે એક ઉપાય કરી શકાય કે કેટલાક જુના કાયદાઓ હવે બિનજરૂરી બની ગયા હોવાથી તેમને રદ કરીને તેમના અમલ પર થતો ખર્ચ બચાવી શકાય. બીજી એવી દલીલ અને દરખાસ્ત થતી હોય છે કે સરકારી અને અર્ધ-સરકારી તંત્રોમાંથી બગાડ ઘટાડવો અને કાર્યક્ષમતા વધારવી જોઈએ. આમ કરવાની પણ મર્યાદા છે.
જે બગાડ તરીકે વગોવાય છે તે બધા જ બગાડ નથી હોતા. ખાસ તો અમલદારશાહી (bureaucracy) અને લેખિત રેકોર્ડ રાખવાની પ્રથા ભલે બગાડ જણાય પણ જરૂરી હોય છે. પ્રજાએ ચૂંટેલા પ્રતિનિધીઓએ પસાર કરેલા કાયદાઓ હેઠળ ઉપરી અધિકારીઓએ નક્કી કરેલા નિયમો અને પ્રક્રિયાઓના પાલન જેમને નડતા હોય તેઓ આવો ઉહાપોહ મચાવતા હોય છે. મધ્યમ સ્તરના અધિકારીઓ નિયમનું પાલન કરવાનો આગ્રહ રાખે તો પણ બદનામ થાય અને ન રાખે તો નિયમભંગ માટે સજાને પાત્ર ઠરે. વળી કોઈ જ ગેરરીતી ના થઇ શકે તેટલા માટે અને થઇ હોય તો જવાબદારી નક્કી કરવા માટે પણ લેખિત રેકોર્ડ રાખવો જરૂરી છે. આને લીધે થોડો ખર્ચ વધે અને તેથી કરવેરા પણ વધે તો તે "જરૂરી દૂષણ" (necessary evil) ગણાય.
આ લખનારે ૨૦ થી વધુ વર્ષ ગુજરાતમાં અને ૨૦ વર્ષ અમેરિકામાં સરકારી નોકરી કરી છે. ઠેકેદારોના મંડળે જે નિયમની માંગણી કરી હોય તે નિયમનું પાલન ન કરવાની ઈચ્છા લગભગ બધા જ ઠેકેદારો રાખતા. બીજા ઠેકેદારોના કામ પર નિયમોનું પાલન થવું જોઈએ પણ પોતાના કામમાં અપવાદ કરાવવાની મનોવૃત્તિ સાફ જણાઈ આવતી હતી. બધા ઠેકેદારોને સમતલ મેદાન (level playing field) મળવું જોઈએ પણ તે તેમને ગમતું કે ફાવતું નહોતું. આવી જ મનોવૃત્તિ આપણી પણ છે. બીજાના કરવેરા વધારો, મારા નહીં; બીજાના લાભો અને સગવડો ઘટાડો, મારા નહીં. આને લીધે જ આપણા બજેટો ખાધવાળા પસાર કરવા પડે છે. તેના ખરાબ પરિણામો સૌએ ભોગવવા પડે છે.
ખાનગી પેઢીઓમાં પણ ૧૦૦ ટકા કાર્યક્ષમતા લાવી શકાતી નથી. સરકારી કામોમાં ૧૦૦ ટકા કાર્યક્ષમતા લાવવી શક્ય હોય તો પણ જરૂરી નથી. એક તો તેને માટે ઘણા ઇન્સ્પેક્ટરો અને ઓડીટરો રાખવા પડે. થોડા પૈસા બચાવવા માટે રૂપિયો તો ના ખર્ચાય ને? વળી થોડી ઓછી કાર્યક્ષમતાને લીધે થોડા વધારે કર્મચારીઓને રાખવા પડે તો તેટલી બેકારી ઓછી થાય તે પણ સમાજના લાભમાં જ છે.
કરવેરા ઘટાડી શકીએ તો પણ અલ્પ માત્રામાં જ. કેન્દ્ર સરકારના વેરા ઘટાડીએ તો રાજ્ય સરકારના વધારવા પડે; રાજ્ય સરકારના ઘટાડીએ તો જીલ્લા પંચાયતના વધારવા પડે. છેવટે ભાર તો "કન્યાની કેડ" (આમ જનતા) પર જ આવે. ન આવે તો ચીજવસ્તુઓના ભાવમાં વધારો થઈને તે સ્વરૂપમાં આવ્યા વગર નહીં રહે.
કેટલીક રાજ્ય સરકારો અને મ્યુનીસીપલ કોર્પોરેશનો પોતાના વિસ્તારમાં ઉદ્યોગોને આકર્ષવા નવા ઉદ્યોગોને કરરાહતો આપતી હોય છે. તેમના કરવેરા ઘટાડી ઘટાડીને કેટલે સુધી ઘટાડવા જોઈએ? કંપનીઓ કદી "ભારે કરવેરા"ની ફરિયાદ કરતી બંધ થઇ છે?
કેટલીક વાર કોઈ કંપની જે તે સરકાર પાસેથી કરમાફી અથવા કરરાહત મેળવવા માટે એવી રજૂઆત કરે છે કે તે અમુક મોટી સંખ્યામાં લોકોને રોજગારી આપશે. તેને આધારે તેની વિનંતી સ્વીકારવામાં પણ આવે છે. પછી કોઈ ચકાસતું નથી કે તે કંપનીએ કેટલી નવી નોકરીઓ પેદા કરી. ઘણી ઓછી નોકરીઓ ઉભી કરી હોય તો પણ કરરાહત તો ઘટાડતી નથી કે રદ કરતી નથી.
એક વાત અનિવાર્ય છે. ધનવાનો માટે કરવેરા ઘટાડવાના એટલા બધા રસ્તાઓ (છટકબારીઓ loopholes) હોય છે કે અંતે તો તેમનો મોટો ભાગ પ્રમાણમાં ઘણા ઓછા કર ભરતા હોય છે. થોડા ધનિકો આવા કાયદાઓનો લાભ લીધા વિના પુરેપુરા કર ભરતા હશે પણ ખરા. બધા જ પૈસાદારોને તેમના પુરેપુરા કર ભરવાની ફરજ પાડવામાં આવે તો પણ તેમની સંખ્યા નાની હોવાથી કુલ આવક જોઈએ તેટલી ના થાય. જયારે ગરીબોની આવક જ ઓછી હોય તેથી તેમની પાસેથી પણ પુરતી રકમ ના ઉઘરાવી શકાય. તેથી મધ્યમ વર્ગ પર જ કરવેરાનું ભારણ આવે. કારણ કે તેમની સંખ્યા ધનિકો કરતા વધારે હોય અને આવક છુપાવવાનું તેમને માટે શક્ય નથી હોતું. મધ્યમવર્ગીઓએ આ પરિસ્થિતિ સ્વીકારવી રહી.
ટૂંકમાં કરવેરા અંગે ફરિયાદ કરવાનું યોગ્ય નથી. આપણા સૌના જીવનોમાં તે અગત્યનો અને ઉપયોગી ભાગ ભજવે છે. આપણા દેશ માટે જીવ ના આપી શકીએ તે સમજી શકાય પરંતુ થોડા પૈસા પણ ના આપી શકીએ?